ભારત સામેની મૅચના બહિષ્કાર વિશે આઇસીસીએ પાકિસ્તાન પાસે આ મોટો ખુલાસો માગીને મૂંઝવી નાખ્યું

નવી દિલ્હીઃ વર્તમાન ટી-20 વર્લ્ડ કપમાં 15મી ફેબ્રુઆરીની ભારત સામેની કોલંબો (COLOMBO) મૅચનો બહિષ્કાર કરવાના નિર્ણયને મજબૂત બનાવવા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સાથેના કરારની એક કલમનો ઉપયોગ કરીને આઇસીસી પર તેમ જ બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પણ આઇસીસીએ પીસીબી પાસે એક ખુલાસો માગ્યો છે.
પીસીબી ફૉર્સ મૅજ્યૉર નામની કલમ લાગુ કરવા માગે છે, પણ આઇસીસીએ એની પાસે એવી સ્પષ્ટતા માગી છે કે તમે આ કલમ કેવી રીતે લાગુ પડાવી શકો એનો અમારી પાસે ખુલાસો કરો.
આપણ વાચો: ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દુનિયાને બતાવી દેવા માગે છે કે…
ફૉર્સ મૅજ્યૉર કલમ શું છે?
આઇસીસી સાથેના પીસીબીના કરારનામામાં ફૉર્સ મૅજ્યૉર નામની કલમ છે જે મુજબ પાકિસ્તાન બોર્ડ યુદ્ધ, કુદરતી આફત, સરકારી પગલું કે જાહેર જનતાને લગતી તાકીદની સ્થિતિ સહિતના પોતાની કાબૂ બહારના સંજોગોને ધ્યાનમાં લઈને આઇસીસીની કોઈ ઇવેન્ટ સંબંધમાં અમુક જવાબદારી પૂરી ન કરવાનો વિકલ્પ અપનાવી શકે.
જોકે કલમ લાગુ કરાવવા માટે પાકિસ્તાન બોર્ડે એ સાબિત કરવું પડે કે પોતે ભારત સામે 15મી ફેબ્રુઆરીની મૅચ રમવા સંબંધમાં જે નિર્ણય લીધો છે એ અણધાર્યા અને અનિવાર્ય કારણસર (સંજોગો બદલ) લેવામાં આવ્યો છે અને એ સંજોગો ટાળવા એણે (પાકિસ્તાને) તમામ વાજબી પગલાં ભર્યા હતા. માત્ર પોતાને (પાકિસ્તાનને) કોઈ પ્રકારની અગવડતા પડી હોય એ કારણસર કે રાજકીય ક્નિનાખોરીને લીધે નિર્ણય લીધો હોય તો એ આ કલમ હેઠળ સ્વીકાર્ય ન કહેવાય.
આઇસીસીએ પાકિસ્તાન બોર્ડ પાસે ખુલાસો માગ્યો છે કે તમે તમારી સરકારની સૂચના મુજબ આખી ટૂર્નામેન્ટ રમવાના છો, પરંતુ શા માટે એક જ મૅચમાંથી ખસી ગયા એનું કારણ આપો. પાકિસ્તાન સરકારે માત્ર એક ટ્વીટ મારફત પોતાની ટીમને ભારત સામે રમવાની મનાઈ કરી છે.



