સ્પોર્ટસ

ICC Ranking: ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટમાં નંબર વન ઈંગ્લેન્ડ સામે ઘર આંગણે રમાયેલી પાંચ મેચની ટેસ્ટ

સિરીઝ(INDvsENG)માં ઇન્ડિયન ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરીને 4-1થી જીત મળેવી હતી. આ સિરીઝ જીત સાથે રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમ ICC ટેસ્ટ રેન્કિંગ(ICC Test Ranking)માં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે ટી20 અને વનડે ફોર્મેટમાં ભારતીય ટીમ પહેલાથી જ ટોપ પર હતી. આમ હવે ઇન્ડિયન ટીમ ત્રણેય ફોર્મેટમાં નંબર વન બની ગઈ છે. અગાઉ ગત વર્ષે ડિસેમ્બરમાં પણ ટીમ ઈન્ડિયાએ ત્રણેય ફોર્મેટમાં નંબર વન બની હતી.

ભારતીય ટીમ ટેસ્ટ અને ટી20માં પહેલાથી જ નંબર વન હતી અને દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીમાં 2-1થી જીત મેળવ્યા બાદ ભારતીય ટીમે ICC રેન્કિંગની ODIમાં પણ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જો કે, દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણી પછી રમાયેલી ટેસ્ટ સિરીઝ 1-1થી ડ્રો રહી હતી, જેને કારણે ભારતીય ટીમેં ટેસ્ટમાં પ્રથમ ક્રમ ગુમાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા નંબર-1 ટીમ બની ગઈ હતી. હવે વિશાખાપટ્ટનમ, રાજકોટ, રાંચી અને ધર્મશાલા ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા ફરી એકવાર ટેસ્ટમાં નંબર-1 ટીમ બની ગઈ છે. ભારતે ત્રણેય ફોર્મેટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ICCએ આજે રવિવારે કહ્યું – હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ 28 રનના માર્જિનથી હાર્યા બાદ, ભારતે શાનદાર વાપસી કરી અને ઇંગ્લેન્ડ સામેની બાકીની ચાર ટેસ્ટ મેચ જીતી લીધી. વિઝાગ, રાજકોટ, રાંચી અને હવે ધર્મશાળામાં જીત સાથે, ટીમ ICC ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ટોચના સ્થાને પરત ફરી છે.

ટેસ્ટ રેન્કિંગ ટેબલમાં ટીમના હવે 122 રેટિંગ પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયા 117 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે જ્યારે ઈંગ્લેન્ડ 111 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ક્રાઈસ્ટચર્ચમાં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટના પરિણામનો રેન્કિંગ પર હવે કોઈ ફરક નહીં પડે અને ભારત ટેસ્ટમાં નંબર વન રહેશે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 વિજેતા ઑસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી આગળ છે. ODI રેન્કિંગમાં ભારતીય ટીમ પાસે 121 રેટિંગ પોઈન્ટ છે, જેમાં ઓસ્ટ્રેલિયા 118 રેટિંગ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. T20 ઈન્ટરનેશનલમાં ભારતના 266 રેટિંગ પોઈન્ટ છે, જેમાં ઈંગ્લેન્ડ 256 પોઈન્ટ્સ સાથે બીજા ક્રમે છે. આ સાથે ભારત 68.51 પોઈન્ટની ટકાવારી સાથે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સ્ટેન્ડિંગ ટેબલમાં પણ ટોચ પર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button