પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડ માટે ભારતના આ ત્રણ મૅચ-વિનર થયા નૉમિનેટ…

દુબઈઃ મેન્સ ક્રિકેટમાં હાલમાં આક્રમક ઓપનિંગ બૅટ્સમૅન અભિષેક શર્મા (ABHISHEK SHARMA) અને વિકેટ-ટેકિંગ લેફ્ટ-આર્મ સ્પિનર કુલદીપ યાદવ (KULDEEP YADAV) તેમ જ મહિલા ક્રિકેટમાં ભરોસાપાત્ર ઓપનર સ્મૃતિ મંધાના (SMRITI MANDHANA) હાલમાં તેમના સુપર-ડુપર પર્ફોર્મન્સને કારણે ખૂબ ચર્ચામાં છે અને આ ત્રણેય ખેલાડી સપ્ટેમ્બરના ` આઇસીસી પ્લેયર ઑફ ધ મન્થ’ પુરસ્કાર (AWARD) માટે નૉમિનેટ થયા છે.
લેફ્ટ-હૅન્ડ ઓપનર અભિષેક સર્વશ્રેષ્ઠ ફૉર્મમાં છે. તે ટી-20ના બૅટ્સમેનોમાં વર્લ્ડ નંબર-વન છે. તેણે તાજેતરમાં હાઇએસ્ટ 931 રેટિંગ પૉઇન્ટ મેળવ્યા હતા. તાજેતરમાં એશિયા કપમાં તેણે ત્રણ હાફ સેન્ચુરીની મદદથી બનાવેલા 314 રન તમામ બૅટ્સમેનોમાં હાઇએસ્ટ હતા અને તેણે પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટનો પુરસ્કાર જીતી લીધો હતો જેમાં તેને કારની ભેટ મળી હતી. અભિષેકે ખાસ કરીને પાકિસ્તાન સામે ત્રણમાંથી પહેલી બે મૅચ જીતવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
આપણ વાંચો: ઝિમ્બાબ્વેના બૅટ્સમૅનનો છ બૉલમાં છ ચોક્કાનો વર્લ્ડ રેકૉર્ડઃ ગુજરાતી ખેલાડીએ લીધી વિકેટ
એશિયા કપમાં પાકિસ્તાનને ઉપરાઉપરી ત્રણ પછડાટ ખવડાવવામાં પણ ચાઇનામૅન સ્પિનર કુલદીપનું મોટું યોગદાન હતું. તેની 17 વિકેટ એશિયા કપના તમામ બોલર્સમાં હાઇએસ્ટ હતી. તેણે યુએઇ સામેની પ્રથમ મૅચમાં સાત રનમાં ચાર વિકેટ લીધી હતી અને છેલ્લે પાકિસ્તાન સામેની ફાઇનલમાં 30 રનમાં ચાર વિકેટ મેળવી હતી.
મેન્સ ક્રિકેટમાં આઇસીસીના અવૉર્ડ માટે નૉમિનેટ થયેલો ત્રીજો ખેલાડી છે, ઝિમ્બાબ્વેનો બ્રાયન બેનેટ જેણે નવ ટી-20 મૅચમાં 165.66ના સ્ટ્રાઇક-રેટ અને 55.22ની સરેરાશ સાથે કુલ 497 રન બનાવ્યા હતા.
આપણ વાંચો: વેન્ગસરકર પછી કે. એલ. રાહુલ એવો બીજો બૅટ્સમૅન છે જેણે…
તાજેતરમાં ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં પ્લેયર ઑફ ધ સિરીઝનો પુરસ્કાર જીતનાર સ્મૃતિ મંધાનાએ સપ્ટેમ્બરમાં ચાર વન-ડેમાં 308 રન કર્યા હતા જેમાં 135.68 તેનો સ્ટ્રાઇક-રેટ હતો અને 77.00 તેની બૅટિંગ-સરેરાશ હતી. તેણે વર્લ્ડ નંબર-વન ઑસ્ટ્રેલિયા સામેની ત્રણ વન-ડેમાં અનુક્રમે 58, 117 અને 125 રન કર્યા હતા.
તેણે ભારતને સિરીઝ 1-1થી લેવલ કરાવી આપી હતી, પરંતુ ત્રીજી વન-ડેમાં ભારત હારી જતાં ઑસ્ટ્રેલિયન પ્લેયર્સ શ્રેણી 2-1થી જીતી ગઈ હતી. મંધાના ઉપરાંત પાકિસ્તાનની સિડ્રા અમીન અને સાઉથ આફ્રિકાની તૅઝમિન બ્રિટ્સ પણ અવૉર્ડ માટે દાવેદાર છે.