આઇસીસી પ્લેયર ઑફ મન્થ અવૉર્ડ માટે નૉમિનેટ ખેલાડીઓમાં ફક્ત આ એક ભારતીયનું નામ…

દુબઈઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નવેમ્બર, 2025 માટેના પુરુષ તથા મહિલા વર્ગના પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડ (AWARD) માટે જે ખેલાડીઓના નામ નૉમિનેટ થયા છે એમાં ભારતના એક ખેલાડીનું નામ છે.
પુરુષ વર્ગમાં જે ત્રણ નામ નૉમિનેટ થતા હોય છે એમાં એકેય ભારતીયનું નામ નથી, પરંતુ મહિલા વર્ગમાં ઓપનર શેફાલી વર્માનું નામ છે. તેણે બીજી નવેમ્બરે નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

શેફાલીને આ વર્લ્ડ કપની છેવટની મૅચોમાં ઈજાગ્રસ્ત પ્રતીકા રાવલના સ્થાને ટીમમાં જગ્યા મળી હતી અને શેફાલીએ ફાઇનલમાં 87 રન કર્યા હતા તેમ જ બે મહત્ત્વની વિકેટ પણ લીધી હતી. આ એક મૅચના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ શેફાલીનું નામ નૉમિનેટ કરાયું છે. અન્ય બે નૉમિનેટ થયેલી નામમાં યુએઇની ઇશા ઓઝા અને થાઇલૅન્ડની થિપાચા પુથાવૉન્ગનો સમાવેશ છે. આ બન્ને ખેલાડીએ મહિલાઓ માટેની ઇમર્જિંગ નૅશન્સ ટ્રોફીમાં પ્રશંસનીય પર્ફોર્મ કર્યું હતું.
પુરુષોની કૅટેગરીમાં જે ત્રણ નામ નૉમિનેટ કરવામાં આવ્યા છે એમાં સાઉથ આફ્રિકાના સ્પિનર સાઇમન હાર્મર, બાંગ્લાદેશના તૈજુલ ઇસ્લામ અને પાકિસ્તાનના મોહમ્મદ નવાઝનો સમાવેશ છે.



