આઇસીસીએ પિચ રેટિંગ જાહેર કર્યું, ઇંગ્લૅન્ડની આ પિચને સૌથી સારી ગણાવી…

દુબઈઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે 2-2ના ડ્રૉના પરિણામ સાથે પૂરી થયેલી ટેસ્ટ શ્રેણી (SERIES)ની પહેલી ચાર મૅચની પિચ માટેના રેટિંગ જાહેર કરી દીધા છે જેમાંથી પ્રથમ ટેસ્ટ માટેના સ્થળ લીડ્સ (LEEDS)ની પિચ (PITCH)ને સૌથી સારી ગણાવવામાં આવી છે.
પાંચેય ટેસ્ટ પૂરા પાંચ દિવસ સુધી ચાલી હતી અને એમાં પિચની મહત્ત્વની ભૂમિકા રહી હતી. જોકે આઇસીસીએ 31 જુલાઈ-4 ઑગસ્ટ દરમ્યાન લંડનના ઓવલમાં રમાયેલી નિર્ણાયક ટેસ્ટની પિચ છોડીને અગાઉની ચાર ટેસ્ટની પિચ તથા આઉટફીલ્ડ વિશે રેટિંગ બહાર પાડ્યા છે. એમાં રેટિંગની દૃષ્ટિએ લીડ્સની પિચે ક્રિકેટના મક્કા ગણાતા લૉર્ડ્સની પિચને માત આપી છે.
ઉલ્લેખનીય છે કે ઓવલની અંતિમ મૅચ પહેલાં પિચ સંબંધમાં હેડ-કોચ ગૌતમ ગંભીર તથા તેમના કોચિંગ સ્ટાફને ઓવલના ક્યૂરેટરે પિચથી દૂર રહેવા કહ્યું એને પગલે વિવાદ જાગ્યો હતો. એ પિચ વિશેનું રેટિંગ આઇસીસીએ હજી બહાર નથી પાડ્યું.
હેડિંગ્લીના લીડ્સમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં યજમાન ઇંગ્લૅન્ડે ચોથા દાવમાં 371 રનનો લક્ષ્યાંક મેળવીને એ મૅચમાં પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો અને 1-0થી સરસાઈ લીધી હતી. આઇસીસીએ લીડ્સની પિચ અને આઉટફીલ્ડ, બન્નેને સૌથી ઊંચું રેટિંગ આપ્યું છે.
બીજી ટેસ્ટ એજબૅસ્ટનમાં રમાઈ હતી જેમાં ભારતે 336 રનના તફાવતથી વિજય મેળવ્યો હતો. એ મેદાનની પિચને આઇસીસીએ સંતોષજનક ગણાવી છે. લૉર્ડ્સની ત્રીજી ટેસ્ટ માટેની પિચને પણ આઇસીસી તરફથી સંતોષકારક બતાવવામાં આવી છે. એ ટેસ્ટ બ્રિટિશરોએ બાવીસ રનથી જીતીને 2-1થી સરસાઈ મેળવી હતી.
ચોથી ટેસ્ટ મૅન્ચેસ્ટરમાં રમાઈ હતી અને જાડેજા-વૉશિંગ્ટનની જોડીએ ડ્રૉ કરાવેલી એ ટેસ્ટની પિચને પણ આઇસીસીએ સંતોષકારક ગણાવી છે. ઓવલની પાંચમી ટેસ્ટમાં પહેલા બે દિવસમાં સંખ્યાબંધ વિકેટ પડી હતી, પરંતુ ઇંગ્લૅન્ડને ચોથા દાવમાં 374 રનનો તોતિંગ લક્ષ્યાંક મળ્યો હતો અને તેઓ છ રનથી હારી ગયા હતા અને ભારત સિરીઝને 2-2થી ડ્રૉ કરાવવામાં સફળ રહ્યું હતું.
આ પણ વાંચો…BCCI ના સેન્ટર ઓફ એક્સેલન્સમાં મોટા ફેરફાર જોવા મળશે, આ પદો ખાલી પડ્યા