સ્પોર્ટસ

ભારતના મુદ્દે પાકિસ્તાન અને શ્રીલંકા સાથે આઇસીસીની મંત્રણા, પણ બાંગ્લાદેશના ચીફ લાહોરમાં!

કરાચીઃ ભારત સામેની વર્લ્ડ કપની 15મી ફેબ્રુઆરીની મૅચ ન રમવાની જીદ સાથે પાકિસ્તાને સમગ્ર ક્રિકેટ જગતને મૂંઝવી નાખ્યું છે ત્યારે એક તરફ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સાથે મંત્રણા ચાલી રહી છે ત્યારે બીજી તરફ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના ચીફ અમિનુલ ઇસ્લામ લાહોર પહોંચી ગયા છે. આ તમામ ચર્ચાઓમાં સહ-યજમાન શ્રીલંકાના ક્રિકેટ બોર્ડના મોવડીઓ પણ સામેલ છે.

બાંગ્લાદેશના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અમિનુલ ઇસ્લામ લાહોરમાં પીસીબીના ચીફ મોહસિન નકવીને મળ્યા હતા અને પાકિસ્તાનની આઇસીસી સાથેની વર્ચ્યુઅલ મીટિંગમાં પણ ભાગ લેશે એવી ધારણા છે.

આપણ વાચો: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું હવે આવી બન્યું, જાણો શા માટે…

નકવીએ પાકિસ્તાન સરકારના આદેશની બહાર જઈને કોઈ જ વલણ નથી અપનાવ્યું, પરંતુ આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનને ભારત સામેની મૅચનો બહિષ્કાર પાછો ખેંચી લેવા જે વિનંતી કરી છે એને પગલે સિનારિયો બદલાઈ ગયા છે. ખરેખર તો કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવું પડશે એવું ધારીને ભારત સામેની મૅચ રમવા પાકિસ્તાન છેવટે તૈયાર થઈ જશે એવી પાક્કી ધારણા છે.

આઇસીસીના ચીફ એક્ઝિક્યૂટિવ ઑફિસર (સીઇઓ) સંગ ગુપ્તા પણ કોલંબોમાં છે અને શ્રીલંકન ક્રિકેટ બોર્ડના વડા શમ્મી સિલ્વા સાથે મંત્રણા કરી રહ્યા છે. સિલ્વાએ જ નકવીને ભારત સામેની મૅચ રમવાની વિનંતી કરતી ઇ-મેઈલ મોકલી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button