ટેસ્ટ અને વન-ડે ક્રિકેટના નિયમોમાં થશે મોટા બદલાવ, ICC લઇ શકે છે મોટા નિર્ણય
નવી દિલ્હી: T-20 ક્રિકેટના આગમન બાદ ધીમે ધીમે ટેસ્ટ અને વનડે ક્રિકેટ રમાવાનું ચલણ ઘટી રહ્યું છે. ઇન્ટરનેશનલ T-20 ઉપરાંત ખેલાડીઓ ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) અને તેના જેવી અન્ય લીગ રમવામાં વ્યસ્ત રહે છે. એવામાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) વધુ ટેસ્ટ અને વન ડે રમાઈ એ માટે પ્રયત્નો કરી રહી છે. ICC ટૂંક સમયમાં ટેસ્ટ અને વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ અંગે કેટલાક મોટા ફેરફારો જાહેર કરી શકે છે.
એક અહેવાલ મુજબ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ(WTC)ની આગામી સાયકલમાં ઓછામાં ઓછી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ યોજવાનો નિયમ લાગુ કરવામાં આવી શકે છે. આ સિવાય ODI ક્રિકેટમાં 25 ઓવર માટે બે નવા બોલનો ઉપયોગ કરવો અને બાકીની 25 ઓવર એક જ બોલથી ફેંકવાનો નિયમ લાગુ કરવામાં આવી શકે છે. જોકે, આવા નિયમો અંગે હાલ માત્ર ચર્ચા ચાલી રહી છે.
દુબઈમાં આઈસીસીની બોર્ડની બેઠક યોજાઈ હતી, જેમાં સોમવારે મહિલા ક્રિકેટ અંગે ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી હતી. મીડિયા અહેવાલ મુજબ, ICCની ક્રિકેટ સમિતિને બોર્ડની બેઠકમાં ઘણા સૂચનો મળ્યા છે. આ કારણોસર, ક્રિકેટ સમિતિએ ભલામણ કરી છે કે ટેસ્ટ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે, આગામી WTC સાઈકલમાં વધુ ડે-નાઈટ ટેસ્ટ એટલે કે પિંક બોલ ટેસ્ટ મેચો યોજવામાં આવે અને ટેસ્ટ સિરીઝ પણ ઓછામાં ઓછી 3 મેચોની હોવી જોઈએ.
અહેવાલ મુજબ દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા જેવા કેટલાક દેશો મોટા ભાગે માત્ર બે ટેસ્ટ મેચની જ સિરીઝ રમે છે. માત્ર ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા લાંબી ટેસ્ટ સિરીઝ રમે છે.
Also Read – IPL 2025: CSK ધોનીને રિટેન કરશે કે છોડી દેશે? ટીમ મેનેજમેન્ટ આ વાતે મુંજવણમાં
આઈસીસી ક્રિકેટ કમિટીની અધ્યક્ષતા ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી કરે છે અને તેમાં બીસીસીઆઈના સચિવ અને ટૂંક સમયમાં આઈસીસીના અધ્યક્ષ બનવા જઈ રહેલા જય શાહ, શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન મહેલા જયવર્દને, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ, દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ શૉન પોલોક, ન્યુ ઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન ડેનિયલ વેટોરી અને રોજર હાર્પર પણ સામેલ છે.
હાલમાં માત્ર ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા ડે-નાઈટ ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે, પરંતુ BCCIએ બે વર્ષથી ભારતમાં પિંક બોલ ટેસ્ટ મેચનું આયોજન કર્યું નથી. ટીમ ઈન્ડિયા ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં પિંક બોલ ટેસ્ટ રમશે.
અહેવાલ મુજબ આઈસીસી કમિટીનું માનવું છે કે દે નાઈટ ટેસ્ટ મેચોને કારણે વધુ લોકો સ્ટેડિયમમાં આવે છે. જો કે, તાજેતરમાં પાકિસ્તાનમાં દર્શકોની સંખ્યા ઘણી ઓછી જોવા મળી હતી. ભારતમાં 3 ડે નાઈટ ટેસ્ટ મેચ રમાઈ હતી જેમાં દર્શકોની સંખ્યા વધુ જોવા મળી હતી.