આઇસીસીએ વર્લ્ડ કપમાં મહિલા ક્રિકેટરોની કઈ મોટી ચિંતા દૂર કરી આપી?
દુબઈ: અહીં દુબઈમાં આઇસીસીનું વડુ મથક છે અને આ શહેર તેમ જ શારજાહમાં આઇસીસીએ મહિલાઓનો ટી-20 વર્લ્ડ રાખ્યો છે. ઘણા મહિનાઓથી જેનો ઇન્તેજાર હતો એ ટૂર્નામેન્ટ શરૂ થઈ ગઈ છે અને એ સાથે મહિલા ક્રિકેટરોની મોટી માનસિક ચિંતા પણ દૂર થઈ ગઈ છે. ક્રિકેટની આ સર્વોચ્ચ સંસ્થાએ સોશિયલ મીડિયા સંબંધિત એક નવું સૉફ્ટવેર લૉન્ચ કર્યું છે જેમાં સોશિયલ મીડિયા પર મહિલા ક્રિકેટર્સ સુધી ‘ઝેરીલી ટિપ્પણીઓ’ એટલે કે ઉશ્કેરણી કરતી તથા આઘાતજનક કમેન્ટ્સ નહીં પહોંચી શકે.
આ સૉફ્ટવેરને કારણે ટૂર્નામેન્ટ દરમ્યાન મહિલા ક્રિકેટર્સ ફુરસદના સમયમાં માનસિક સતામણીથી મુક્ત રહેશે અને પર્ફોર્મ કરવા પર વધુ એકાગ્રતા રાખી શકશે.
આઇસીસીએ ગુરુવારે (વર્લ્ડ કપના પ્રારંભિક દિવસે) સવારે જ સત્તાવાર યાદી બહાર પાડી હતી જેમાં આ સૉફ્ટવેરની વિગતો જણાવી હતી.
આ પણ વાંચો :ગંભીરના કોચ બનવાથી ટીમની રમત વધુ આક્રમક બની! કાનપુર ટેસ્ટથી નીકળ્યું આ તારણ
ઘણી વાર સોશિયલ મીડિયાના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ વગેરે પ્લૅટફૉર્મ પર મહિલા ખેલાડીઓ હેટ સ્પીચ (જાતીય કે ધર્મ પર આધારિત ટિપ્પણીઓ), માનસિક સતામણી કરતી કમેન્ટ્સ તેમ જ દ્વેષ કે નફરતભરી ટિપ્પણીનો ભોગ બનતી હોય છે. આ કમેન્ટ્સને કારણે તેમની એકાગ્રતાભંગ થતી હોય છે અને મીડિયામાં વિવાદ થવા ઉપરાંત સંબંધિત ખેલાડીની ખૂબ બદનામી પણ થતી હોય છે.
આઇસીસીએ બ્રિટનની ‘ગોબબલ’ નામની સૉફ્ટવેર કંપની સાથેના સહયોગમાં વિકસાવેલું સૉફ્ટવેર એઆઇ (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ) અને માનવ સંશાધનનું સંયોજન છે. આ નવી ટેક્નોલૉજીવાળું સૉફ્ટવેર બિભત્સ અને દ્વેષભરી ટિપ્પણીઓને ખેલાડીઓ સુધી નહીં પહોંચવા દે અને ખેલાડીઓ માટે સકારાત્મક વાતાવરણ સર્જાશે.
વર્લ્ડ કપમાં 10 ટીમની કુલ 150 જેટલી ખેલાડીઓ આ ટી-20 વર્લ્ડ કપમાં ભાગ લઈ રહી છે અને એમાંથી 60 જેટલી પ્લેયરે સોશિયલ મીડિયા પર પોતાને રક્ષણ આપતું આઇસીસી-પ્રેરિત નવું સૉફ્ટવેર અપનાવી પણ લીધું છે. ઘણી વાર ખેલાડીને પોતાની ટીમના પરાજય બાદ સોશિયલ મીડિયામાંના પોતાના અકાઉન્ટ પર દ્વેષભરી કમેન્ટ્સનો સામનો કરવો પડતો હોય છે, પણ હવે તેઓ એનાથી મુક્ત રહેશે અને નવી મૅચની તૈયારી પર ધ્યાન આપી શકશે.