IND vs AUS 4th Test: ICCએ વિરાટ કોહલીને દંડ ફટકાર્યો, મેદાન પર કરેલી આ હરકત ભારે પડી
મેલબોર્ન: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝની ચોથી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ(MCG)માં રમાઈ(IND vs AUS 4th Test) રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, ઓસ્ટ્રેલીયાએ મજબુત શરૂઆત કરી હતી. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટ ગુમાવીને 311 રન બનાવ્યા હતા. પહેલા દિવસે જ મેચ દરમિયાન વાતાવરણ ગરમ થઈ ગયું હતું, ભારતનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના યુવા બેટ્સમેન સેમ કોન્સ્ટાસને છંછેડ્યો હતો. વિરાટને આ હરકત મોંઘી પડી છે.
મેચ દરમિયાન વિરાટ કોહલીએ જાણી જોઇને સામેથી આવી રહેલા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સેમ કોન્સ્ટાસ સાથે ખભો અથડાવ્યો હતો, ત્યાર બાદ બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. આવું કરવા બદલ વિરાટ કોહલીને ઇન્ટરનેશલન (ICC)એ મેચ ફીના 20% દંડ ફટકાર્યો છે. તેને એક ડીમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે. જો કે, છેલ્લા 24 મહિનામાં કોહલીનો આ પહેલો ડીમેરિટ પોઈન્ટ છે. આવી સ્થિતિમાં તેમને કોઈ ખાસ નુકસાન નહીં થાય.
મેદાન પર શું બન્યું:
ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની 10 ઓવર પૂરી થયા બાદ જ્યારે ખેલાડીઓ બીજા છેડા તરફ જઈ રહ્યા હતા, તે જ સમયે હાથમાં બોલ લઈને વિરાટ, પીચની બીજી બાજુ જઈ રહ્યો હતો સામેથી આવી રહેલા સેમ કોન્સ્ટાસ સાથે ખભો અથડાવ્યો. ખભો અથડાયા બાદ વિરાટ માફી માગ્યા વગર આગળ વધી ગયો હતો, આ દરમિયાન જ્યારે સેમે તેને કંઈક કહ્યું તો કોહલીએ પાછળ ફરીને વળતો જવાબ આપ્યો, ત્યાર બાદ બંને વચ્ચે બોલચાલ થઇ. આવી સ્થિતિમાં અમ્પાયરને વચ્ચે આવવું પડ્યું. સેમ તેની બેટિંગ દરમિયાન ઘણો આક્રમક દેખાયો હતો, તે MCGમાં હાજર પ્રશંસકોને સતત ઈશારા કરી રહ્યો હતો.
શું છે ICCનો નિયમ:
ICC આચાર સંહિતાની કલમ 2.12 અનુસાર, “ક્રિકેટમાં કોઈપણ પ્રકારનો અયોગ્ય શારીરિક સંપર્ક પ્રતિબંધિત છે. જો કોઈ ખેલાડી ઈરાદાપૂર્વક, અવિચારી રીતે અને/અથવા બેદરકારીપૂર્વક ચાલે છે અથવા દોડે છે અથવા અન્ય ખેલાડી અથવા અમ્પાયરના ખભાને ટક્કર મારે છે, તો તેને નિયમોનું ઉલ્લંઘન ગણવામાં આવશે.’
Also Read – બુમરાહના 4,484 બૉલમાં પહેલી જ સિક્સર ગઈ! કોણ છે એ જાંબાઝ બૅટર?
કોન્સ્ટાસની શાનદાર ઇનિંગ:
ઓસ્ટ્રેલિયા તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી રહેલો સેમ કોન્સ્ટાસ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે ડેબ્યૂ મેચમાં જ 60 રનની ઇનિંગ રમી હતી, તેણે ઉસ્માન ખ્વાજા સાથે પ્રથમ વિકેટ માટે 89 રન જોડ્યા.
કોસ્ટાસે મેચ બાદ આ ઘટના અંગે જણાવ્યું કે, “મને લાગે છે કે અમે બંનેમાં લાગણીઓ વહી ગયા હતાં.. પરંતુ, ક્રિકેટમાં આવું થયા કરે છે.”.