Champions Trophy: બાંગ્લાદેશ સામે જીત છતાં ટીમ ઈન્ડિયામાં ચિંતા, પાકિસ્તાન સામે આ બાબત ભારે પડી શકે

દુબઈ: ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની શરૂઆત જીત (Champions trophy 2025) સાથે કરી છે, ગઈ કાલે ગુરુવારે દુબાઈમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને 6 વિકેટે (IND vs BAN) હરાવ્યું. ટુર્નામેન્ટની પહેલી મેચમાં ટીમ ઇન્ડિયાને જીત જરૂર મળી પણ, સાથે સાથે ટીમની ઘણી ખામીઓ પણ ઉજાગર થઇ છે. પહેલા મેચની સ્થિતિ જોતા જણાય છે કે ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનો રસ્તો ધાર્યા મુજબ સરળ નહીં હોય.
પાકિસ્તાનની યજમાની છતાં સુરક્ષાના કારણોસર ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની બધી મેચ UAEના દુબઈમાં રમશે. ગઈ કાલના મેચમાં જણાયું કે આ દુબઈના મેદાનની પિચ એકદમ સૂકી છે અને એવી ધારણા હતી કે સ્પિનરો આ પીચ પર અસરકારક રહેશે. આ વાતને ધ્યાનમાં રાખીને, BCCI એ સ્ક્વોડમાં કુલ 5 સ્પિનરોનો સમાવેશ કર્યો છે. જોકે, કેપ્ટન રોહિત શર્મા કહે છે કે ફક્ત બે સ્પિનર છે. બાકીના ત્રણ ઓલરાઉન્ડર છે.
Also read: રોહિતનો વધુ એક કીર્તિમાનઃ વન-ડેમાં 11,000 રન બનાવનાર આટલામો ફાસ્ટેસ્ટ ખેલાડી બન્યો
સ્પિનર્સ vs પેસર્સ:
ગઈ કાલે બાંગ્લાદેશ સામે ભારતની પ્લેઇંગ-11માં માત્ર બે ફૂલ ટાઈમ પેસ બોલરો હતાં અને ત્રણ સ્પિનરોને સ્થાન આપવામાં આવ્યું હતું. અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા સ્પિનર તરીકે ટીમમાં હતાં, આ ત્રણેય સ્પિનરોએ મળીને કુલ 28 ઓવર ફેંકી.
ગઈ કાલે અક્ષર પટેલે 9 ઓવરમાં 43 રન આપીને 2 વિકેટ લીધી. રવિન્દ્ર જાડેજા 9 ઓવર ફેંકી અને 37 રન આપ્યા, તેને એકપણ વિકેટ ના મળી. કુલદીપ યાદવે 10 ઓવર ફેંકીને 43 રન આપ્યા અને તેને પણ કોઈ વિકેટ ન મળી. અક્ષર પટેલે લીધેલી બે વિકેટ એક જ ઓવરમાં આવી. અક્ષરને બાકીની 8 ઓવરમાં કોઈ વિકેટ ના મળી. હવે ભારતના પેસ બોલરોના પ્રદર્શન પર નજર કરીએ, મોહમ્મદ શમીએ 10 ઓવરમાં 53 રન આપીને 5 વિકેટ લીધી. હર્ષિત રાણાએ 7.4 ઓવર ફેંકી અને 3 વિકેટ લીધી. જ્યારે હાર્દિક પંડ્યાએ ફક્ત 4 ઓવર ફેંકી 20 રન આપ્યા, તેને કોઈ વિકેટ ન મળી. આમ ગઈ કાલની મેચમાં પેસર્સે ઓછી ઓવર ફેંકીને પણ 8 વિકેટ લીધી જ્યારે સ્પિનરોએ ફક્ત બે વિકેટ જ લીધી.
ટીમની ચિંતાનું કારણ:
દુબઈની પીચ પર સ્પિનર્સનું ધારણા મુજબ ન ચાલવું કેપ્ટન રોહિત શર્મા અને હેડ કોચ ગૌતમ ગંભીર માટે ચિંતાનું કારણ હોઈ શકે છે. ભારતની આગળની મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે છે, એવામાં ભારત પાસે મજબુત બોલિંગ અટેક હોવો જરૂરી છે.
23 ફેબ્રુઆરીએ દુબઈની પીચ પર નજર:
ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ મેચ રમાશે. જો દુબઈમાં ફાસ્ટ બોલરો વધુ અસરકારક રહે તો ટીમ ઈન્ડિયા માટે સમસ્યા બની શકે છે. હવે અર્શદીપ સિંહ એકમાત્ર ફાસ્ટ બોલર બચ્યો છે, જો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પણ ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવે તો ચાર ફાસ્ટ બોલરો હશે. સામે પાકિસ્તાન પાસે ધુંઆધાર ફાસ્ટ બોલર્સ છે, જે ભારતીય બેટર્સ માટે મોટો પડકાર બની શકે છે. જો કે પાકિસ્તાન પાસે અબરાર અહેમદ સિવાય કોઈ સારો સ્પિનર નથી. એવામાં 23 ફેબ્રુઆરીમેં દુબઈની પીચ કેવી રીતે વર્તે છે, એ મહત્વનું રહેશે.