સ્પોર્ટસ

જય શાહની ‘મન કી બાત’ સાંભળતાં જ રોહિત ખૂબ હસવા લાગ્યો…

મુંબઈ: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના ચેરમૅન જય શાહે તાજેતરમાં મુંબઈના એક કાર્યક્રમમાં પ્રવચન દરમ્યાન રોહિત શર્માની કેપ્ટન્સીને ખૂબ બિરદાવી અને તેને કેપ્ટન તરીકે ઓળખાવ્યો એ સાથે જ નજીકમાં બેઠેલો ખુદ રોહિત શર્મા ખૂબ હસી પડ્યો હતો. બાજુમાં બેઠેલી પત્ની રિતિકા પણ ખૂબ હસી હતી. રોહિત અને રિતિકાની આસપાસ બેઠેલા શાહરુખ ખાન તેમ જ ભારતીય મહિલા કેપ્ટન હરમનપ્રીત કૌર તેમ જ અન્ય મહેમાનોએ પણ રોહિતને તેમ જ ભારતીય ક્રિકેટને ગૌરવ અપાવતી જય શાહની આ ટિપ્પણીને વધાવી લીધી હતી.

બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઈ)ના ભૂતપૂર્વ સેક્રેટરી જય શાહે ખાસ કરીને 2024ના ટી-20 વર્લ્ડ કપની અને 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીની રોહિત શર્માની કેપ્ટન્સીની ભારોભાર પ્રશંસા કરી હતી.

વન-ડે ક્રિકેટમાં વ્યક્તિગત 264 રનનો વર્લ્ડ રેકૉર્ડ ધરાવતા અને આ જ ફૉર્મેટમાં વિશ્વમાં સૌથી વધુ ત્રણ ડબલ સેન્ચુરી ફટકારનાર રોહિત ટી-20 આંતરરાષ્ટ્રીય અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે, પણ હજી વન-ડે ક્રિકેટ રમે છે. જોકે વન-ડે ટીમમાં તેના સ્થાને હવે શુભમન ગિલને સુકાન સોંપવામાં આવ્યું છે. ટેસ્ટની કેપ્ટન્સી પણ ગિલને સોંપાઈ છે, જ્યારે ટી-20 ટીમનું નેતૃત્વ સૂર્યકુમાર યાદવ સંભાળી રહ્યો છે. રોહિત શર્મા હવે ભારતીય કેપ્ટન નથી, પરંતુ વન-ડે મૅચ દરમ્યાન ગિલ તેમ જ બીજા યુવાન ખેલાડીઓને માર્ગદર્શન જરૂર આપતો રહે છે.

38 વર્ષનો રોહિત શર્મા હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન નથી એમ છતાં જય શાહે તાજેતરમાં રિલાયન્સ ફાઉન્ડેશનની એક ઇવેન્ટમાં સ્પીચ દરમ્યાન રોહિત શર્માને ‘ કેપ્ટન રોહિત’ તરીકે ઓળખાવ્યો હતો.

આ પણ વાંચો…ઓલિમ્પિક 2036માં 100 મેડલનો લક્ષ્યાંક, જેમાં 10 તો માત્ર ગુજરાતના જ હશે: જય શાહ

ભારતના પુરુષ અને મહિલા વિશ્વ વિજેતા ક્રિકેટરો માટેની ‘ યુનાઈટેડ ઈન ટ્રાયમ્ફ’ નામની આ ઇવેન્ટમાં પ્રવચન દરમ્યાન જય શાહે કહ્યું, ‘ આપણા કેપ્ટન અહીં જ બેઠા છે. હું તો તેને કેપ્ટન તરીકે જ બોલાવીશ, કારણકે તેમણે ભારતને બે આઈસીસી ટ્રોફી અપાવી છે. 2023ના વન-ડે વર્લ્ડ કપમાં આપણે લાગલગાટ દસ મૅચ જીત્યા ત્યાર બાદ આપણે ટ્રોફી નહોતા જીતી શક્યા, પરંતુ સૌના દિલ જરૂર જીતી લીધા હતા. મેં ફેબ્રુઆરી 2024માં રાજકોટમાં કહ્યું જ હતું કે આગામી વર્લ્ડ કપમાં (2024 ના ટી-20 વિશ્વ કપમાં) આપણે સૌના દિલ અને ટ્રોફી બંને જીતીશું.’

2024ના ટી-20 વર્લ્ડ કપમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટ્રોફી જીતી લીધી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button