ચૅમ્પિયન્સ ટ્રોફીની ચૅમ્પિયન ટીમને મળશે આટલા કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ…

દુબઈઃ વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીની મહિનાઓથી રાહ જોવાઈ રહી હતી અને એ દિવસ નજીક આવી ગયો છે ત્યારે આ લોકપ્રિય ઇવેન્ટની કર્તાહર્તા ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ આ ટૂર્નામેન્ટને લગતા કરોડો રૂપિયાના ઇનામોની જાહેરાત કરી છે જે મુજબ રવિવાર, નવમી માર્ચે જે દેશની ટીમ ચૅમ્પિયન બનશે એ ટીમને 2.24 મિલિયન અમેરિકન ડૉલર (અંદાજે 19.45 કરોડ રૂપિયા)નું પ્રથમ ઇનામ મળશે. રનર-અપ ટીમને 1.12 મિલિયન ડૉલર (9.72 કરોડ રૂપિયા)નું બીજું ઇનામ મળશે.
Also read : આવતી કાલે ડબ્લ્યૂપીએલ શરૂઃ મુંબઈની ઑલરાઉન્ડર ઈજાને લીધે સ્પર્ધાની બહાર
શ્રેષ્ઠ આઠ વન-ડે ટીમ આ સ્પર્ધામાં ભાગ લેશે. ભારતના ગ્રૂપ એ'માં પાકિસ્તાન,ન્યૂઝીલૅન્ડ અને બાંગ્લાદેશ છે. ગ્રૂપ
બી’માં ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન સામેલ છે.
ચૅમ્પિયન્સ ટ્રોફી બુધવાર, 19મી ફેબ્રુઆરીએ શરૂ થશે. એમાં ભારતની પ્રથમ મૅચ 20મી ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે અને બીજી મૅચ 23મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે રમાશે. આ પહેલાં ચૅમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ 2017માં રમાઈ હતી અને પાકિસ્તાનમાં એનું આયોજન પહેલી જ વાર થઈ રહ્યું છે. ભારતની તમામ મૅચો દુબઈમાં રમાશે.
આઇસીસીએ જે પ્રાઇઝ-મનીની જાહેરાત કરી છે એમાં 2017ની ઇવેન્ટની તુલનામાં 53 ટકાનો થયો છે.
સેમિ ફાઇનલમાં હારી જનારી બન્ને ટીમને પણ સારી એવું રોકડ ઇનામ મળવાનું છે.
આઇસીસીના સૌથી યુવાન અધ્યક્ષ જય શાહે પાકિસ્તાન તથા દુબઈમાં રમાનારી ચૅમ્પિયન્સ ટ્રોફીને લગતી યાદીમાં જણાવ્યું હતું કે `આ મોટા ઇનામો ક્રિકેટની રમતમાં મોટા પાયે રોકાણ કરવાની તેમ જ આપણી ઇવેન્ટ્સની વૈશ્વિક ખ્યાતિ જાળવી રાખવાની આઇસીસીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.’
પાકિસ્તાનમાં 1996 પછી પહેલી જ વખત મોટી આઇસીસી ઇવેન્ટ યોજાઈ રહી છે. ચૅમ્પિયન્સ ટ્રોફીની મૅચો કરાચી, લાહોર અને રાવલપિંડીમાં રમાશે.
Also read : કેમ કોહલીને આરસીબીની ટીમનું સુકાન ફરી ન સોંપાયું?
કોને મળશે કેટલું ઇનામ?
(1) ચૅમ્પિયન ટીમઃ 19.45 કરોડ રૂપિયા
(2) રનર-અપ ટીમઃ 9.72 કરોડ રૂપિયા
(3) સેમિ ફાઇનલ હારી જનારી ટીમઃ 4.86 કરોડ રૂપિયા
(4) પાંચમા-છઠ્ઠા સ્થાને રહેનારી ટીમઃ 3.04 કરોડ રૂપિયા
(5) સાતમા-આઠમા સ્થાને રહેનારી ટીમઃ 1.21 કરોડ રૂપિયા
(6) ગ્રૂપ સ્ટેજમાં પ્રત્યેક જીત બદલઃ 29.5 લાખ રૂપિયા
(7) ટૂર્નામેન્ટમાં ભાગ લેવા બદલ (દરેક ટીમને): 1.08 કરોડ રૂપિયા