આઇસીસીએ જાહેર કરી ટેસ્ટ રેન્કિંગ, યશસ્વી અને જુરેલે લગાવી લાંબી છલાંગ

દુબઇ:ભારતના ઉભરતા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ટેસ્ટ બેટ્સમેનોની તાજેતરની આઈસીસી રેન્કિંગમાં ૧૨માં સ્થાને પહોંચી ગયો છે, જ્યારે ધ્રુવ જુરેલ ૩૧ સ્થાનની છલાંગ લગાવીને ૬૯માં સ્થાને પહોંચી ગયો છે. જયસ્વાલ ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી પહેલા રેન્કિંગમાં ૬૯મા ક્રમે હતો. ચોથી મેચમાં ૭૩ અને ૩૭ રનની ઇનિંગ્સ રમ્યા બાદ તેની રેન્કિંગમાં વધુ સુધારો થયો છે. પ્લેયર ઓફ ધ મેચ જુરેલ ૯૦ અને ૩૯ રનની ઇનિંગ્સ રમીને ૩૧ સ્થાનની છલાંગ લગાવવામાં સફળ રહ્યો હતો.
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટ રાંચીમાં ૧૨૨ રનની અણનમ ઈનિંગ રમીને ટોપ થ્રીમાં પાછો ફર્યો છે. વરિષ્ઠ સ્પિનર રવિચંદ્રન અશ્ર્વિન પાંચ વિકેટ સાથે ટોચના ક્રમાંકિત જસપ્રીત બુમરાહ કરતાં ૨૧ પોઈન્ટ પાછળ છે. સ્પિનર કુલદીપ યાદવ ૧૦ સ્થાનની છલાંગ લગાવીને ૩૨મા સ્થાને પહોંચી ગયો છે. ઈંગ્લેન્ડનો શોએબ બશીર ૩૮ સ્થાનના ફાયદા સાથે ૮૦માં સ્થાને પહોંચી ગયો છે.
ઓપનિંગ બેટ્સમેન ઝેક ક્રોલી પ્રથમ વખત ટોપ ૨૦માં પહોંચી ગયો છે. ઑસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ ટી-૨૦ રેન્કિંગમાં પ્રથમ વખત ટોપ ૨૦માં પહોંચ્યો છે. ટિમ ડેવિડ છ સ્થાનના ફાયદા સાથે ૨૨મા સ્થાને પહોંચી ગયો છે. વન-ડે રેન્કિંગમાં નામિબિયાનો બર્નાર્ડ સ્કોલ્ઝ ૬૪૨ રેટિંગ પોઈન્ટ સાથે ૧૧મા સ્થાને છે. તેણે આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ બે ત્રિકોણીય શ્રેણીમાં નેપાળ સામે ચાર અને નેધરલેન્ડસ સામે બે વિકેટ લીધી હતી.