ઇયાન હિલીનો ગંભીર આક્ષેપ, ‘ભારતીય ખેલાડીઓ બૉલ સાથે કંઈક તો કરી જ રહ્યા હશે’
ઈશાન કિશનની અમ્પાયર સાથેની ચકમક પછી ઓસ્ટ્રેલિયન બોર્ડનો ખુલાસો આવ્યો

મૅકે (ઓસ્ટ્રેલિયા): રવિવારે એક તરફ મુંબઈમાં ભારતીય ક્રિકેટરો ન્યૂ ઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ 0-3 થઈ હારી ગયા ત્યાં બીજી બાજુ, ઓસ્ટ્રેલિયામાં ઇન્ડિયા ’એ’ ટીમ વિવાદના વમળમાં ફસાઈ હતી. ઋતુરાજ ગાયકવાડની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયામાં ચાર દિવસીય બિન-સત્તાવાર ટેસ્ટ રમનાર ભારતીય ટીમના ફિલ્ડરોએ ઓસ્ટ્રેલિયા ‘એ’ સામેની મૅચ દરમિયાન બૉલ સાથે ચેડાં કર્યા હોવાનો આક્ષેપ અમ્પાયરે કર્યો હતો. આ વિવાદ પછીથી શાંત પડી ગયો હતો, પરંતુ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર ઇયાન હિલીએ ભારતીય ટીમ પર ગંભીર આક્ષેપ મૂકીને વિવાદ વધાર્યો હતો.
ઓસ્ટ્રેલિયા ‘એ’ ટીમને 224 રનનો ટાર્ગેટ મળ્યો હતો અને છેલ્લા દિવસની રમત શરૂ થઈ એ પહેલાં આગલા દિવસના જૂના બૉલને બદલે નવો બૉલ ભારતીય ટીમને બોલિંગ માટે આપ્યો હતો. ભારતીયોએ એ નિર્ણય સામે સવાલ ઉઠાવ્યો ત્યારે અમ્પાયર શૉન ક્રેગે કહ્યું કે ‘શનિવારની ત્રીજા દિવસની રમતના અંત ભાગમાં બૉલ પર જાણી જોઈને સ્ક્રેચ કરવામાં આવ્યા બદલ અમે બૉલ બદલી રહ્યા છીએ.’
ઇન્ડિયા ‘એ’ ટીમના વિકેટકીપર ઈશાન કિશને એ આક્ષેપને મૂર્ખતાભર્યો ગણાવ્યો અને અમ્પાયર સાથે દલીલ કરી ત્યારે અમ્પાયરે તેને કહ્યું કે ‘એક્સક્યુઝ મી, તમારા આ ગેરવર્તનની માહિતી હું મારા રિપોર્ટમાં આપી શકું એમ છું. અમે બૉલ બદલી નાખ્યો છે. વાત અહીં જ પૂરી થઈ ગઈ છે. હવે આ બાબતમાં કોઈ જ ચર્ચા નહીં જોઈએ. ચાલો, રમવા માંડો.’
જોકે ભારતીય ટીમ સામેના આક્ષેપ બદલ ભારતીય ખેલાડીઓ ગુસ્સે થઈ ગયા હતા. પછીથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે ખુલાસો બહાર પાડવો પડ્યો હતો કે ‘બૉલ ખરાબ થઈ ગયો હતો અને રમી શકાય એવી સ્થિતિમાં નહોતો એટલે નવો બૉલ લેવામાં આવ્યો હતો.’
ઇયાન હિલીએ ભારતીય ટીમ પરના આડકતરા આક્ષેપમાં કહ્યું કે ‘ત્રીજા દિવસની રમતના અંત ભાગમાં બૉલ સાથે કંઈક તો ચેડાં થયા જ હશે. ઓસ્ટ્રેલિયન ટીમે બૉલમાં ફરક દેખાયો હોવાની ફરિયાદ કારણ વગર તો નહીં જ કરી હોય. તેમણે જીતવા થોડાક જ રન બનાવવાના બાકી હતા અને ભારતીય બોલર્સ ઓસ્ટ્રેલિયન બેટર્સને માનસિક દબાણમાં લાવવાની તૈયારીમાં હશે.’
ઇન્ડિયા ‘એ’ ટીમનો એ મૅચમાં સાત વિકેટે પરાજય થયો હતો. ભારતના પહેલા દાવમાં 107 રન અને ઓસ્ટ્રેલિયન ટીમના 195 રન હતા. બીજા દાવમાં ભારતીય ટીમે સાઇ સુદર્શનના 103 રન અને દેવદત પડ્ડીકલના 88 રનની મદદથી 312 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયન ટીમને 225 રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે તેમણે ત્રણ વિકેટના ભોગે મેળવી લીધો હતો.
Also Read – ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટ કિપર બેટ્સમેને નિવૃત્તિ જાહેર કરી, આવી રહી ક્રિકેટની કારકિર્દી
ઇન્ડિયા ‘એ’ અને ઓસ્ટ્રેલિયા ‘એ’ વચ્ચે હવે બીજી બિન-સત્તાવાર ટેસ્ટ સાતમી નવેમ્બરથી રમાશે. કેએલ રાહુલ અને ધ્રુવ જુરેલને એ મેચમાં રમવા ભારતથી ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યા છે.