સ્પોર્ટસ

ઇંગ્લૅન્ડનો ઑલરાઉન્ડર જ્યારે બાળકની જેમ રડવા લાગ્યો!

ન્યૂ ઝીલૅન્ડનો આ પ્રખ્યાત ક્રિકેટર કહે છે કે `હું ફરી ક્યારેય પાકિસ્તાન નહીં જાઉં'

કરાચીઃ ભારત સાથે યુદ્ધનું સાહસ કરીને પાકિસ્તાન તો પસ્તાઈ જ રહ્યું છે, પરંતુ એની ટી-20 ક્રિકેટ લીગમાં ભાગ લેનાર કેટલાક વિદેશી ખેલાડીઓ (ખાસ કરીને ઇંગ્લૅન્ડનો ઑલરાઉન્ડર ટૉમ કરૅન અને ન્યૂ ઝીલૅન્ડનો ડેરિલ મિચલ) પણ હેરાન-પરેશાન છે. પાકિસ્તાન સુપર લીગ (PSL)માં રોમાંચક મૅચો રમાઈ રહી હતી ત્યાં પાકિસ્તાને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો કરાવ્યા બાદ ભારત સાથે યુદ્ધ કરવાનું દુસાહસ સ્વીકારી લેતાં પીએસએલ સ્પર્ધા સાવ ખોરવાઈ ગઈ છે. એ તો ઠીક, પણ આ સ્પર્ધા દુબઈમાં રાખવાની પાકિસ્તાનની વિનંતીને યુએઇએ ઠુકરાવી દીધી એટલે પીએસએલને મોકૂફ રાખી દેવી પડી છે.

એટલું જ નહીં, વિદેશી ખેલાડીઓએ પાકિસ્તાનમાંથી રવાના થઈને દુબઈ પહોંચ્યા બાદ જે કંઈ ભાવ વ્યક્ત કર્યા એ જોતાં પાકિસ્તાનનું નાક કપાઈ ગયું એમ કહી શકાય.

પાકિસ્તાને ભારત સાથેથી યુદ્ધ વધારી દેતાં પીએસએલના વિદેશી ખેલાડીઓને પહેલાં યુએઇમાં પહોંચાડવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને પોતપોતાના દેશમાં પાછા જતા રહેવા કહેવાયું હતું.

આ પણ વાંચો: ડ્રોન ક્રેશ થતા રાવલપિંડી સ્ટેડિયમને નુકશાન; PSL રદ થવાની શક્યતા, PCBએ બોલાવી બેઠક

બાંગ્લાદેશના લેગ-સ્પિનર રિશાદ હોસૈન (RISHAD HOSSAIN) પીએસએલની લાહોર કલંદર્સ ટીમમાં છે. રિશાદે હેરાન થયેલા આ ટીમના સાથી વિદેશી ખેલાડીઓની વાત એક ઇન્ટરવ્યૂમાં કરી છે. શનિવારે પાકિસ્તાનના ઍરપોર્ટ પરથી ચાર્ટર પ્લેનમાં પીએસએલના વિદેશી ખેલાડીઓને દુબઈ પહોંચાડવામાં આવ્યા હતા. રિશાદે મુલાકાતમાં કહ્યું, અમે બધા ખૂબ ડરી ગયા હતા. અમે સાંભળ્યું કે અમે પાકિસ્તાનના જે ઍરપોર્ટ પરથી રવાના થયા હતા ત્યાં (અમારા ગયા બાદ) 20 મિનિટ પછી એ ઍરપોર્ટ પર મિસાઇલ હુમલો થયો હતો.’ રિશાદે એક ક્રિકેટ વેબસાઇટને એવું પણ જણાવ્યું હતું કે હું વિદેશી ખેલાડીઓ ટૉમ કરૅન, ડેરિલ મિચલ, સૅમ બિલિંગ્સ, કુસાલ પરેરા, ડેવિડ વીસની સાથે પાકિસ્તાનથી દુબઈ પહોંચ્યો હતો. દુબઈ પહોંચતાં જ મેં જોયું કે બધા વિદેશી પ્લેયરો ખૂબ ભયભીત હતા. ડેરિલ મિચલે (DARRYL MITCHELL) તો મને ચોખ્ખું કહી દીધું કે હું ફરી ક્યારેય પાકિસ્તાન નહીં જાઉં.

ટૉમ કરૅનનો કિસ્સો જુદો હતો. તે પાકિસ્તાનમાં હોટેલ પરથી (દુબઈ આવવા માટે) ઍરપોર્ટ પર પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ઍરપોર્ટ તો બંધ કરી દેવામાં આવ્યું છે. એ જાણીને ટૉમ કરૅન (Tom Curran) બાળકની જેમ રડવા લાગ્યો હતો. બે-ત્રણ માણસોએ તેને શાંત પાડ્યો હતો અને સમજાવીને ઍરપોર્ટની અંદર મોકલ્યો હતો.’

આ પણ વાંચો: બદમાશ પાકિસ્તાનને ટી-20 લીગ દુબઈમાં રાખવી છે, પણ આ મોટું વિઘ્ન આડું આવ્યું!

બાંગ્લાદેશના રિશાદ હૌસેને ઇન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું હતું કે `પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચીફ મોહસિન નકવી પીએસએલની બાકીની મૅચો માત્ર કરાચીમાં રાખવા માગતા હતા, પણ પાકિસ્તાન સરકારે મંજૂરી નહોતી આપી. અમે બધાએ યુદ્ધની સ્થિતિ જોતાં પાકિસ્તાન બોર્ડને કહી દીધું કે પહેલાં અમને સૌથી સુરક્ષિત શહેર દુબઈમાં પહોંચાડો. અમે પાકિસ્તાનમાં જ્યાં હતા એ વિસ્તારની આસપાસ આગલા દિવસે બે ડ્રૉન હુમલા થઈ ચૂક્યા હોવાની વાત પીસીબીના ચીફે અમારાથી છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ અમે દુબઈ પહોંચવાની જીદ પકડી હતી એટલે અમને ત્યાં સુરક્ષિત પહોંચાડવામાં આવ્યા અને અમે ગંભીર મુસીબતથી બચી ગયા.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button