મેં નિવૃત્તિ બાદ છ મહિનાથી રૅકેટ હાથમાં નથી લીધુંઃ રાફેલ નડાલ
સ્પેનનો ટેનિસ લૅજન્ડ હવે રોજ શું કરે છે એ તેના જ શબ્દોમાં જાણી લો

પૅરિસઃ સ્પેનના ટેનિસ સુપરસ્ટાર અને બાવીસ ગૅ્રન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલા 38 વર્ષના રાફેલ નડાલે (Rafael Nadal) રવિવારે અહીં પોતાની ફેરવેલ માટે આયોજિત ઇવેન્ટ વખતે કહ્યું હતું કે હું રિટાયર થયા બાદ ખૂબ ખુશ છું. છ મહિનાથી મેં રૅકેટ હાથમાં નથી લીધું. હું જે કંઈ કરું છું એ એન્જૉય કરું છું. આય ઍમ હેવિંગ ફન. મેં ટેનિસની રમતને ઘણું આપ્યું છે અને એમાં ઘણું મેળવ્યું છે એટલે હવે ટેનિસને મિસ નથી કરી રહ્યો. હું અહીંની ઇવેન્ટમાં આવ્યો ત્યારે મને એ વાતની શાંતિ હતી કે મારે ટેનિસ કોર્ટ પર નથી જવાનું. મારું શરીર જ હવે મને ટેનિસ રમવાની પરવાનગી નથી આપતું. ખરેખર, હવે બહુ માનસિક શાંતિ અનુભવું છું.’ રાફેલ નડાલે 24 વર્ષની શાનદાર કારકિર્દીમાં ટેનિસ (Tennis) સિંગલ્સની 1,308માંથી 1,080 મૅચ જીતી હતી, કુલ 92 ટાઇટલ જીત્યા હતા, 2008માં તે વર્લ્ડ નંબર-વન હતો અને બાવીસમાંથી 14 ગૅ્રન્ડ સ્લૅમ ટાઇટલ અહીં પૅરિસમાં ફ્રેન્ચ ઓપનમાં જીત્યા હતા જે વિક્રમ છે. તે 2008માં બીજિંગમાં સિંગલ્સનો અને 2016માં બ્રાઝિલમાં ડબલ્સનો ઑલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો હતો તેમ જ સ્પેનને ડેવિસ કપ ટેનિસના પાંચ ટાઇટલ અપાવ્યા હતા. નડાલ હવે ટેનિસ નહીં, પણ ગૉલ્ફ (golf) રમે છે. તે કહે છે,હવે મને હારવાનો કોઈ અફસોસ નથી થતો. ગૉલ્ફમાં જીતું તો ઠીક છે, પરંતુ જો હારી જાઉં તો એનો કોઈ રંજ નથી થતો. હા, સ્પર્ધા કરવી મને પહેલેથી ગમે છે એટલે જે કંઈ કરું છું એમાં મારી સ્પર્ધાત્મકતા એન્જૉય કરું છું. ગૉલ્ફ રમું કે બીજું કંઈ પણ કરું, સ્પર્ધાત્મકતા નથી ભૂલ્યો. બધુ ખૂબ સારી રીતે પાર પાડવાની પૂરી કોશિશ કરું છું.’
આપણ વાંચો: ભારતના રેસિંગ કાર ડ્રાઇવર કુશ મૈનીએ ઇતિહાસ રચ્યો
નડાલ ત્રીજી જૂને જીવનના 39મા વર્ષમાં પ્રવેશ કરશે. તે હવે દરરોજ મોટા ભાગનો સમય પરિવાર સાથે વીતાવે છે. પત્ની અને બે વર્ષના દીકરાને તે બને એટલો સમય આપે છે. તેની પત્નીનું નામ મારિયા છે. તેમણે પુત્રનું નામ રાફેલ જ રાખ્યું છે.
નડાલ હવે દરરોજ થોડો સમય બિઝનેસમાં પણ આપે છે. તેની પોતાની ટેનિસ ઍકેડેમી છે. તેની પોતાની એક હોટેલ કંપની પણ છે તેમ જ પોષક તત્વોનું વેચાણ કરતી કંપની પણ તે ચલાવે છે. નડાલના પરિવારનું ચૅરિટેબલ ફાઉન્ડેશન પણ છે.
નડાલ પોતાને વેરી વેરી સ્પેશિયલ નથી માનતો. તે કહે છે, `મારી જગ્યાએ આવતી કાલે બીજું કોઈ આવશે અને મારાથી ચડિયાતું પર્ફોર્મ કરશે, ચડિયાતી સિદ્ધિ મેળવશે.’