મને જન્મદિને રમવું ગમતું જ નથી, પણ આ દિવસ સ્પેશિયલ: વર્લ્ડ ચેમ્પિયન ડી. ગુકેશ

ઑસ્લો (નોર્વે): યુરોપના નોર્વે દેશમાં ચાલી રહેલી નોર્વે ચેસ (NORWAY CHESS) સ્પર્ધામાં વર્લ્ડ નંબર-વન નોર્વેના જ મૅગ્નસ કાર્લસન સામે તાજેતરમાં હારી ગયા બાદ ભારતના વર્લ્ડ ચેમ્પિયન ડી. ગુકેશે ગુરુવારે 19મા જન્મદિનને ઉપરાઉપરી બે દિગ્ગજ ખેલાડીને હરાવીને એ દિવસને યાદગાર બનાવી દીધો હતો.
ડી. ગુકેશે (D. GUKESH) ગુરુવારે જીવનના 19મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. તેણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘ હું જેટલા પણ જન્મદિને ચેસની જેટલી ગેમ રમ્યો છું એમાંથી મોટા ભાગની ગેમમાં હાર્યો છું એટલે જન્મદિવસે મને રમવું ગમતું જ નથી. જોકે આ બર્થ-ડે (Birthday) મારા માટે સ્પેશિયલ બની ગયો કારણકે હું લાગલગાટ બે ગેમ જીત્યો છું.’
ગુકેશ પહેલા રાઉન્ડમાં વર્લ્ડ નંબર-વન કાર્લસન (Carlsen) સામે હારી ગયા બાદ બીજા રાઉન્ડમાં ભારતના જ અર્જુન એરીગૈસી સામે પરાજિત થયો હતો. જોકે ગુકેશે ત્યાર બાદ ગુરુવારે ચેસ જગતના બે ટોચના ખેલાડીઓને હરાવ્યા હતા. ત્રીજા રાઉન્ડમાં તેણે હિકારુ નકામુરાને 42 ચાલમાં હરાવી દીધો હતો અને ત્યાર બાદ ફેબિયાનો કૅરુઆનાને હરાવીને સનસનાટી મચાવી દીધી હતી.
આપણ વાંચો: PBKS vs RCB: બેટિંગમાં નિષ્ફળ જતા પોન્ટિંગે શ્રેયસને ખખડાવ્યો! ડ્રેસિંગ રૂમનો વિડીયો વાયરલ
બીજી તરફ, કાર્લસને ભારતના અર્જુન એરીગૈસીને પરાજિત કર્યો હતો, પરંતુ ત્યાર પછી કાર્લસન ઉપરાઉપરી બે ગેમ હારી જતાં હતાશ છે. કાર્લસનનો મંગળવારે નાકામુરા સામે પરાજય થયો અને ત્યાર બાદ ચીનના વેઈ યી સામે કરીઅરમાં પહેલી જ વખત હારી જતા તે ખૂબ નિરાશ હતો.
ગુકેશ બૅક-ટુ-બૅક જીત સાથે આગળ વધી રહ્યો છે, પરંતુ આ સ્પર્ધામાં કાર્લસન હજી પણ 8 પોઇન્ટ સાથે નંબર-વન, કૅરુઆના 7 પોઇન્ટ સાથે નંબર-ટુ અને અમેરિકાનો નાકામુરા 5.5 સાથે નંબર-થ્રી છે.