ICC World cup: હૈદરાબાદ માટે પાકિસ્તાનની મેચનું આયોજન કરવું મુશ્કેલ, શિડ્યુલ બદલવા માંગ
ભારતમાં યોજાનાર ICC મેન્સ વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફરી એકવાર ફેરફાર કરવાની માંગ ઉઠી છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન(HCA) દ્વારા ફરી એકવાર આ માંગ ઉઠાવવામાં આવી છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે હૈદરાબાદમાં 29 સપ્ટેમ્બરે રમાનારી પ્રેક્ટિસ મેચની તારીખ બદલવાની માંગ કરવામાં આવી છે. આ માંગ સુરક્ષાના કારણોસર કરવામાં આવી છે.
HCAએ BCCIને એક ઈમેલ લખીને જાણ કરી છે કે ગણેશ વિસર્જન અને મિલન-ઉન-નબીનો તહેવાર 28 સપ્ટેમ્બરે છે. આ સમયગાળા દરમિયાન મેચ માટે સુરક્ષા પૂરી પાડવી પોલીસ માટે મુશ્કેલ કામ છે. આ કારણોસર HCA શેડ્યૂલમાં ફેરફાર ઇચ્છે છે. આવું પહેલીવાર નથી થઈ રહ્યું. આ પહેલા પણ HCAએ શિડ્યુલમાં ફેરફારની માંગ ઉઠાવી હતી.
આ પહેલા પણ HCA એ સુરક્ષાના કારણોસર શહેરમાં સતત બે દિવસ સુધી વર્લ્ડ કપ મેચ ન યોજવા BCCIને દરખાસ્ત કરી હતી. હૈદરાબાદમાં 10 અને 11 ઓક્ટોબરના રોજ સતત બે મેચ રમવાની છે. બીસીસીઆઈએ હજુ સુધી આ શિડ્યુલમાં ફેરફાર અંગે કોઈ અપડેટ આપ્યું નથી, જેના કારણે HCA નારાજ છે. BCCIએ જૂનમાં શેડ્યૂલ જાહેર કર્યું હતું, ત્યારબાદ HCAની અપીલ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
HCAની અપીલ બાદ BCCIના અધિકારીએ કહ્યું હતું કે માત્ર BCCI જ શેડ્યૂલ બદલી શકે નહીં. શિડ્યુલ બદલવાના નિર્ણયમાં ICC, ટીમ મેનેજમેન્ટ દરેકે સામેલ થવું પડે. વર્લ્ડ શેડ્યૂલ બદલવું સરળ નથી અને તેની શક્યતા પણ ઓછી છે.