ફૂટબોલરે મૅસ્કટ પહેરીને ફરતી મહિલાનો વિનયભંગ કર્યો, અદાલતે પાંચ વર્ષે હળવો દંડ ફટકાર્યો!

મૅડ્રિડ: સ્પેનના સૉકર ખેલાડી હુગો મૅલોએ પાંચ વર્ષ પહેલાં મેદાન પર મહિલાનો વિનયભંગ કર્યો હતો એ કેસમાં અદાલતનો છેક પાંચ વર્ષે ચુકાદો આવ્યો છે જેમાં હુગોને 6,600 ડૉલર (અંદાજે સાડાપાંચ લાખ રૂપિયા)નો દંડ કર્યો છે તેમ જ ભોગ બનેલી મહિલાને કાનૂની વળતર તરીકે 1,100 ડૉલર (અંદાજે 92 હજાર રૂપિયા) ચૂકવવાનો આદેશ આપ્યો છે. જોકે મહિલા સાથે જે છેડતી થઈ એની સરખામણીમાં આ દંડ ખૂબ હળવો કહેવાય.
લા લિગા લીગ નામની સ્પેનની લોકપ્રિય ફૂટબૉલ સ્પર્ધાની એક મૅચની પહેલાં કેટલીક મહિલાઓ ટૂર્નામેન્ટનું મૅસ્કટ (પ્રતીક)નું મોટું માસ્ક તથા કૉસ્ચ્યૂમ પહેરીને મેદાન પર ફરી રહી હતી અને ખેલાડીઓ સાથે હાથ મિલાવતી હતી તેમ જ તેમને મૅચમાં જીત બદલ શુભેચ્છા આપતી હતી.
હુગો એમાંની એક સ્વયંસેવિકા સાથે હાથ મિલાવતી વખતે તેના સ્તનને અડ્યો હતો. મહિલાની અશ્ર્લીલ મજાકવાળી એ ઘટનાનો વીડિયો વાઇરલ થયો હતો. ભોગ બનેલી મહિલાએ હુગો વિરુદ્ધ ફરિયાદ કરી હતી. શરૂઆતમાં તો અદાલતે એ કેસ કાઢી નાખ્યો હતો, પરંતુ એ ફેંસલા સામે અપીલ થતાં કેસ આગળ ચાલ્યો હતો. હુગોએ ત્યારે ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે તે જાણી જોઈને મહિલાના સ્તનને અડ્યો એ કોઈ પુરવાર નથી કરી શક્યું.
હુગો પોતાની વિરુદ્ધમાં આવેલા ચુકાદાને ઉપલી અદાલતમાં પડકારી શકશે, પરંતુ જે કંઈ કાનૂની ખર્ચ થયો છે એ તેણે ભરપાઈ તો કરવો જ પડશે.