સ્પોર્ટસ

Euro Finalમાં સ્પેનનો એક ખેલાડી કેમ 90 મિનિટ નહીં રમી શકે?

જર્મનીના એક કડક કાયદાએ સ્પૅનિશ કોચને ચિંતામાં મૂક્યા છે!

બર્લિન: ફૂટબૉલ જગતમાં એક તરફ યુરો-2024માં ફાઇનલનો દિવસ (રવિવાર) નજીક આવી ગયો છે ત્યાં બીજી તરફ આ ફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામે રમનાર સ્પેનની ટીમને એક નાની ચિંતા સતાવી રહી છે. આ યુરો સ્પર્ધા જર્મનીમાં રમાઈ રહી છે અને જર્મનીમાં કામદાર વર્ગને લગતો એક કાયદો (લેબર-લો) જે ખેલાડીઓ અને ઍથ્લીટોને પણ લાગુ પડે છે થોડો વિચિત્ર છે. આ કાયદા મુજબ સ્પેનના ટીનેજ ખેલાડી લેમિન યમાલ (Lamine Yamal)ને 90 મિનિટની આખી મેચ નહીં રમવા મળે.
સ્પેન-ઇંગ્લૅન્ડ વચ્ચેની આ ફાઇનલ ભારતીય સમય અનુસાર રવિવારે મધરાત બાદ 12:30 વાગ્યાથી રમાવાની છે.

સ્પેનનો ખેલાડી યમાલ 16 વર્ષનો છે. તેણે આવતાવેંત યુરોમાં વિક્રમોની વણઝાર સર્જી દીધી છે. તે આ યુરોમાં સ્પેન-ક્રોએશિયા વચ્ચેની પહેલી મૅચ રમ્યો એ સાથે તે સ્પેનનો તેમ જ યુરોનો યંગેસ્ટ પ્લેયર બન્યો હતો. ક્રોએશિયા સામેની 3-0ના વિજયવાળી એ મૅચમાં યમાલે ડાની કાર્વાયલને એક ગોલ કરવામાં મદદ કરી હતી. એ સાથે 16 વર્ષનો યમાલ સાથી-ખેલાડીને ગોલ કરવામાં આસિસ્ટ કરનાર યુરોનો સૌથી યુવાન ખેલાડી પણ બન્યો હતો.

ફ્રાન્સ સામેની સેમિ ફાઇનલમાં યમાલે 21મી મિનિટમાં ગોલ કર્યો હતો અને એ સાથે તે યુરોમાં ગોલ કરનાર યંગેસ્ટ ખેલાડી પણ બની ગયો હતો. યમાલની આ બધી અનેરી સિદ્ધિઓ છતાં સ્પેનના કોચ ફન્ટે થોડી ચિંતામાં છે. જર્મનીમાં એક લેબર-લો અનુસાર સગીર વયના કિશોર કે કિશોરીને રાત્રે 8.00 વાગ્યા પછી કામ કરવાની છૂટ નથી. ખેલાડીઓ અને એથ્લીટો માટે નિયમ થોડો હળવો બનાવાયો છે. જોકે એમાં પણ તેઓ રાત્રે 11.00 વાગ્યા પછી તો કોઈ પણ પ્રકારનું કામ ન જ કરી શકે.

આ યુરોમાં સ્પેનની જર્મની સામેની મૅચ સ્થાનિક સમય મુજબ સાંજે 6.00 વાગ્યે શરૂ થઈ હતી અને રાત્રે 9:00 વાગ્યાની આસપાસ પૂરી પણ થઈ ગઈ હતી. જોકે ફ્રાન્સ સામેની સેમિ સહિત સ્પેનની કેટલી મૅચો સ્થાનિક સમયે મુજબ રાત્રે 9:00 વાગ્યે શરૂ થઈ હતી. સામાન્ય રીતે મૅચ જો રાત્રે 9.00 વાગે શરૂ થાય તો મુખ્ય 90 મિનિટ ઉપરાંત 15-15 મિનિટના બે એક્સ્ટ્રા ટાઈમ, બ્રેકનો ટાઈમ, મૅચ પછીના મીડિયા સાથેના ઇન્ટરવ્યૂ વગેરે ગણતાં રાત્રે 11.00 વાગ્યાની મર્યાદા તો સહેજે પાર થઈ જાય. એ જોતાં, સગીર વયના ખેલાડીએ 11.00નો સમય પાર કરવાની સાથે લેબર-લોનો ભંગ કર્યો કહેવાય.

આ નિયમને કારણે સ્પેનની ટીમના કોચે યમાલને ત્રણ લીગ મૅચમાં 90મી મિનિટ પહેલાં જ મેદાન પરથી પાછો બોલાવી લીધો હતો. જોકે જ્યોર્જીયા સામેની મૅચ કે જેમાં સ્પેને 4-1થી વિજય મેળવ્યો હતો એમાં યમાલને સ્પેનના કોચે આખી મૅચમાં (રાત્રે 11.00 પછી પણ) રમાડ્યો હતો જેને કારણે સ્પેનના ફૂટબૉલ ફેડરેશનને 32,500 ડોલરનો દંડ થવાનો છે.

હવે રવિવારે સ્પેનની ઇંગ્લૅન્ડ સામેની ફાઇનલ રાત્રે 9.00 વાગ્યે શરૂ થવાની છે અને એમાં સ્પેનના કોચ 16 વર્ષના યમાલને સેકન્ડ-હાફમાં પાછો નહીં બોલાવે અને તેના માટેની રાત્રે 11.00 વાગ્યાની ડેડલાઈન પાર થઈ જશે તો સ્પેનના ફેડરેશને બહુ મોટો દંડ ભરવો પડશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button