સ્પોર્ટસ

ઉથપ્પાની ફટકાબાજી પછી મેઘરાજા વરસ્યા, પાકિસ્તાન હાર્યું

છ-છ ઓવરની મૅચ વરસાદ પડતાં ત્રણ-ત્રણ ઓવરની થઈ!

મૉંગ કૉકઃ અહીં હૉંગ કૉંગ (Hong Kong) સિક્સીસ નામની છ-છ ઓવરની અને છ-છ ખેલાડી વચ્ચેની ટૂર્નામેન્ટમાં પૂલ-સીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મિની હાઈ-વૉલ્ટેજ મુકાબલામાં રૉબિન ઉથપ્પા (28 રન, 11 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર)ની ફટકાબાજીની મદદથી ભારતે પાકિસ્તાનને જીતવા 87 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો ત્યાર બાદ વરસાદ પડતાં મૅચ ટૂંકી (ત્રણ-ત્રણ ઓવરની) થઈ ગઈ હતી જેમાં બદનસીબ પાકિસ્તાને (Pakistan) લડત આપ્યા પછી પણ હાર જોવી પડી હતી. ઉથપ્પાને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

બન્યું એવું કે અબ્બાસ આફ્રિદીની કૅપ્ટન્સીમાં પાકિસ્તાન 87 રનનો ટાર્ગેટ જોરદાર ફટકાબાજીથી હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહ્યું હતું. ત્રણ ઓવરમાં એક વિકેટે 41 રન થયા હતા અને ઓવર દીઠ રનરેટ 13.66નો હતો. અબ્દુલ સામદ 16 રને અને ઓપનર ખ્વાજા નફાય 18 રને રમી રહ્યા હતા ત્યારે વરસાદ શરૂ થઈ ગયો હતો અને પછી રમત ફરી શરૂ જ નહોતી થઈ શકી.

એ તબક્કે ડકવર્થ/લુઇસ મેથડ લાગુ પડી હતી અને ઍટ પાર સ્કોર સામે પાકિસ્તાન માત્ર બે રન દૂર રહી ગયું હતું અને ભારતને બે રનથી વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. સ્ટુઅર્ટ બિન્નીની બોલિંગ ઍનેલિસિસ (1-0-7-1) પણ પાકિસ્તાનને હરાવવા માટે કારણભૂત બની હતી.

એ પહેલાં, દિનેશ કાર્તિકના નેતૃત્વમાં ભારતીય ટીમે છ ઓવરમાં ચાર વિકેટે જે 86 રન કર્યા હતા એમાં ઉથપ્પાના 28 રન ઉપરાંત 42 વર્ષની ઉંમરના મૂળ કર્ણાટકના ભારત ચિપલી (24 રન, 13 બૉલ, બે સિક્સર, બે ફોર)નું પણ મોટું યોગદાન હતું. ખુદ કૅપ્ટન કાર્તિક (17 અણનમ, છ બૉલ, એક સિક્સર, બે ફોર)નો પણ 86 રનમાં ફાળો હતો. પાકિસ્તાન વતી મુહમ્મદ શાહઝાદે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : 6, 6, 6, 6, 6, 6ઃ કુવૈતના પટેલની એક ઓવરમાં પાકિસ્તાની બૅટ્સમૅનના છ છગ્ગા…

પાકિસ્તાનની ટીમ શુક્રવારે સવારે કુવૈત સામે શાનદાર જીત મેળવ્યા બાદ ભારત સામે રમવા આવી હતી, પણ એણે હતાશ થવું પડ્યું હતું.

હવે ભારતની આગામી મૅચ શનિવાર, આઠમી નવેમ્બરે (સવારે 6.40 વાગ્યાથી) કુવૈત સામે રમાશે.

અન્ય મૅચોમાં શું બન્યું

શુક્રવારે હૉંગ કૉંગ સિક્સીસની અન્ય મૅચોના પરિણામ આ મુજબ રહ્યા હતાઃ
(1) ઑસ્ટ્રેલિયાનો યુએઇ સામે છ વિકેટે વિજય. (2) અફઘાનિસ્તાનનો સાઉથ આફ્રિકા સામે 49 રનથી વિજય. (3) બાંગ્લાદેશનો શ્રીલંકા સામે 14 રનથી વિજય. (4) પાકિસ્તાનનો કુવૈત સામે ચાર વિકેટે વિજય. (5) અફઘાનિસ્તાનનો નેપાળ સામે 17 રનથી વિજય. (6) હૉંગ કૉંગનો શ્રીલંકા સામે ચાર વિકેટે વિજય.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button