Hitman Rohit Sharma એ ચેમ્પિયન ટ્રોફી અંગે આપ્યું મોટું નિવેદન, ક્રિકેટપ્રેમીઓને શું કહ્યું?
મુંબઇઃ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતના ધબડકા પછી ભારતીય ટીમના દિગ્ગજ ક્રિકટર્સની રમવા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે ત્યારે આગામી ચેમ્પિયન ટ્રોફી માટે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સૌથી મોટું નિવેદન આપ્યું હતું.
ભારતીય કેપ્ટન રોહિત શર્માને આશા છે કે જ્યારે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને સ્વદેશ પરત ફરશે ત્યારે 140 કરોડ ભારતીય તેમનું સ્વાગત કરશે. રવિવારે મુંબઈ ક્રિકેટ એસોસિએશને વાનખેડે સ્ટેડિયમના 50 વર્ષ પૂરા થવા પર એક ભવ્ય સમારોહનું આયોજન કર્યું હતું, જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા, મહાન બેટ્સમેન સચિન તેંડુલકર, પૂર્વ બેટ્સમેન સુનીલ ગાવસ્કર, પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણે જેવા સ્ટાર ખેલાડીઓએ હાજરી આપી હતી.
આ દરમિયાન રોહિત શર્માએ આગામી ચેમ્પિયન્સ ટ્રોફી વિશે વાત કરી હતી. આ કાર્યક્રમમાં રોહિત શર્માએ કહ્યું હતું કે ટી-20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ ચાહકોની ભીડ જોઈને તેને ટી-20 વર્લ્ડ કપની જીતનો અહેસાસ થયો હતો.
રોહિતને પૂછવામાં આવ્યું કે તેને ખરેખર કઈ ક્ષણે સમજાયું કે ભારત વર્લ્ડ કપ જીતી ગયું છે? આ અંગે તેણે કહ્યું, ‘અહીં સેલિબ્રેશન કર્યા પછી બીજા દિવસે જ્યારે હું જાગ્યો, ત્યારે અમને ખબર પડી હતી. મને સમજાયું કે અમે જે કર્યું છે તે ખૂબ જ ખાસ હતું.
ભારતીય કેપ્ટને કહ્યું હતું કે, ‘વર્લ્ડ કપ જીતવો એક વાત છે અને તમારા લોકો સાથે તેની ઉજવણી કરવી અલગ વાત છે. તમે તમારા સાથી ખેલાડીઓ સાથે વિજયની ઉજવણી કરો છો પરંતુ મને મુંબઈ આવ્યા પછી લોકો સાથે આ ઉજવણી શેર કરવાની લાગણી મળી હતી.
રોહિતે કહ્યું કે ભારતીય ટીમ ટૂંક સમયમાં ચેમ્પિયન્સ ટ્રોફી અભિયાન શરૂ કરશે અને અહીંના પ્રતિષ્ઠિત સ્ટેડિયમમાં બીજી ટ્રોફી લાવવાનો પ્રયાસ કરશે. ‘અમે બીજી ટૂર્નામેન્ટ શરૂ કરીશું. મને ખાતરી છે કે જ્યારે અમે દુબઈ પહોંચીશું ત્યારે 140 કરોડ લોકોની શુભકામનાઓ અમારી સાથે હશે. અમે આ જાણીએ છીએ. અમે આ ટ્રોફી ( ચેમ્પિયન્સ ટ્રોફી)ને વાનખેડે પરત લાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરીશું.
લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે જ્યારે પણ તે સ્ટેડિયમ જાય છે ત્યારે તેને હોમ ગ્રાઉન્ડ પર આવવાનું મન થાય છે. સચિન તેંડુલકરે કહ્યું હતું કે તેણે 2013માં વેસ્ટ ઈન્ડિઝ સામે તેની છેલ્લી ટેસ્ટ રમતી વખતે પણ આવી જ લાગણીઓ અનુભવી હતી. તેણે કહ્યું, ‘જ્યારે વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝનું શેડ્યૂલ જાહેર થયું ત્યારે મેં એન શ્રીનિવાસન (તત્કાલિન બીસીસીઆઈ પ્રમુખ)ને ફોન કર્યો અને વિનંતી કરી કે શું સીરિઝની બીજી અને છેલ્લી મેચ વાનખેડેમાં રમાઈ શકે કારણ કે હું ઈચ્છું છું કે તે જોવા માટે મારી માતા આવે.
આ પણ વાંચો…રિંકુ સિંહ સપા સાંસદ સાથે લગ્ન બંધને જોડાશે; જાણો ક્યારે અને ક્યાં યોજાશે લગ્ન
મારી માતાએ અગાઉ ક્યારેય સ્ટેડિયમમાં આવીને મને રમતા જોયો ન હતો. તે સમયે તેની તબિયત એવી હતી કે તે વાનખેડે છોડીને અન્ય કોઈ જગ્યાએ જઈ શકતી ન હતી. બીસીસીઆઈએ તે વિનંતી સ્વીકારી અને મારી માતા અને આખો પરિવાર તે દિવસે વાનખેડેમાં હતો.