હીટમેન રોહિત શર્મા પર બેટિંગની સાથે બીજો ક્યો ભાર છે?
કૅપ્ટન અને ઓપનિંગ બૅટર રોહિત શર્માની સરખામણી એક રીતે તો ભારતીય ક્રિકેટના લેજન્ડ મહેન્દ્રસિંહ ધોની સાથે થઈ જ શકે. ધોનીની જેમ રોહિત પણ સાવ ઠંડા મગજવાળો છે. તેને બીજો કૅપ્ટન કૂલ કહીએ તો પણ ખોટું નથી. આપણે જોતા જ હોઈએ છીએ કે રોહિત મેદાન પર હોય ત્યારે ભાગ્યે જ ગુસ્સામાં જોવા મળે અને બૅટિંગમાં હોય ત્યારે મગજને શાંત રાખીને માહીની માફક સ્ટ્રેટજીપૂર્વક રમીને ભલભલા બોલરની બોલિંગને આગવી સ્ટાઇલમાં ચીંથરેહાલ કરી નાખતો હોય છે.
એ તો ઠીક, પણ મગજ પર પ્રચંડ બોજ હોય ત્યારે પણ રોહિત સીફતથી એક પછી એક સમસ્યાને દૂર કરી નાખતો હોય છે.
જોકે હાલમાં તે જે બોજ મહેસૂસ કરી રહ્યો છે એ અગાઉ તેણે કદાચ ક્યારેય નહીં કર્યો હોય. એક તો વન-ડેના વર્લ્ડ કપની ફાઇનલમાં થયેલા ફિયાસ્કોની શરમજનક હાલતમાંથી તે માંડ બહાર આવી રહ્યો છે ત્યાં હાર્દિક પંડ્યાના કમબૅકથી હવે તેના હાથમાંથી મુંબઈ ઇન્ડિયન્સની કૅપ્ટન્સી જતી રહી છે. સાઉથ આફ્રિકાના ટેસ્ટ-પ્રવાસમાં પોતે ફ્લૉપ જઈ રહ્યો છે અને ભારત પ્રથમ ટેસ્ટ ખરાબ રીતે (એક દાવ અને 32 રનથી) હારી ગયું ત્યાં હવે કેપ ટાઉનમાં શરૂ થઈ રહેલી બીજી અને છેલ્લી ટેસ્ટમાં કોને રમાડવા અને કોને નહીં એની મૂંઝવણમાં અટવાયેલો છે. સેન્ચુરિયનની પ્રથમ ટેસ્ટમાં તેના ખાતે 5 અને 0 હતા. છેલ્લી 10 ઇનિંગ્સમાં ફક્ત બે હાફ સેન્ચુરી તે ફટકારી શક્યો છે. રવીન્દ્ર જાડેજા ઈજામુક્ત થઈને પાછો આવી રહ્યો છે એટલે બૅટિંગનો મિડલ ઑર્ડર વધુ બૅલેન્સ્ડ થઈ જશે, પરંતુ ત્રીજા અને ચોથા ફાસ્ટ બોલર તરીકે કોને પસંદ કરવો એનો કોયડો રોહિતને ગઈ કાલે સતાવી રહ્યો હતો. પ્રસિદ્ધ ક્રિષ્નાને ટેસ્ટનો જરાય અનુભવ નથી, જ્યારે શાર્દુલ ઠાકુર નજીવી ઈજા પછી પણ પોતાની અપૂરતી ટૅલન્ટને લીધે ટીમને કેટલો ઉપયોગી થશે એ મોટો સવાલ છે.
કેપ ટાઉન કે જ્યાં ભારત ક્યારેય ટેસ્ટ નથી જીત્યું ત્યાં ટૉસ તો મહત્ત્વનો બની જ રહેશે, મુકેશ કુમાર અને આવેશ ખાનમાંથી કોઈ એકને ચાન્સ આપવો કે નહીં એની પણ રોહિત મથામણમાં હશે જ.