હિમાલય કી ગોદ મેં: ધરમશાલાની પણ સફળતા સાથે ભારત 4-1થી સિરીઝ જીતવા મક્કમ
ધરમશાલા: હિમાચલ પ્રદેશના ધરમશાલામાં પર્વતોની હારમાળા વચ્ચે તળિયે બનેલા ગ્રાઉન્ડમાં ગુરુવારે, સાતમી માર્ચે ઇંગ્લૅન્ડ સામે શરૂ થનારી પાંચમી અને છેલ્લી ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી) પણ જીતીને રોહિત શર્માની ટીમ 4-1ના પ્રચંડ માર્જિન સાથે ટ્રોફી જીતવા દૃઢ છે. આર. અશ્ર્વિન અને જૉની બેરસ્ટૉની આ 100મી ટેસ્ટ છે. જેમ્સ ઍન્ડરસનને 700 વિકેટના મૅજિક ફિગર સુધી પહોંચવા ફક્ત બે શિકારની જરૂર છે.
આ એ મેદાન છે જ્યાં ત્રણ અઠવાડિયા પહેલાં દિલ્હીએ હિમાચલને જે રણજી મૅચમાં હરાવ્યું એમાં તમામ 36 વિકેટ સીમ બોલરોએ લીધી હતી.
રાજકોટની ત્રીજી ટેસ્ટમાં ભારતનો 434 રનથી વિજય થયો અને 2-1ની સરસાઈ લીધી ત્યારે ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટૉક્સે શેખી કરી હતી કે ‘હજી પણ અમે આ સિરીઝ 3-2થી જીતી શકીએ.’ જોકે અત્યારે તેની ટીમની જે હાલત થઈ છે એ જોઈને હવે તે અને તેના સાથીઓ ભારતને 4-1થી ન જીતવા દેવા જરૂર મરણિયા થઈ ગયા હશે.
યશસ્વી જયસ્વાલની ફટકાબાજી તેમ જ આકાશ દીપના ત્રણ વિકેટના સેન્સેશનલ ડેબ્યૂથી માંડીને વિકેટકીપર ધ્રુવ જુરેલના મૅચ-વિનિંગ પર્ફોર્મન્સ સાથે ભારતીય ટીમે બ્રિટિશરો પર સંપૂર્ણપણે પ્રભુત્વ જમાવ્યું છે.
જસપ્રીત બુમરાહ ભારતીય ટીમમાં કમબૅક કરશે. ત્રણ સીમ બોલરોને ઇલેવનમાં સમાવવાનો રોહિત શર્માનો સંકેત જોતાં બુમરાહ, સિરાજની સાથે આકાશ દીપને મોકો મળી શકે. એ સ્થિતિમાં અશ્ર્વિન અને જાડેજા ઉપરાંતના ત્રીજા સ્પિનર કુલદીપ યાદવની (રિસ્ટ-સ્પિનની કમાલ છતાં) બાદબાકી થઈ શકે. બીજી બાજુ, માર્ક વૂડની વાપસી થઈ રહી છે અને ઑલી રોબિન્સનને બેન્ચ પર બેસાડવામાં આવશે. જેમ્સ ઍન્ડરસન અને વૂડ બ્રિટિશ ટીમના પેસ આક્રમણની જવાબદારી સંભાળશે.