ઓહ નો! અમેરિકાના ખેલાડીએ જીત્યા પછી વર્લ્ડ ચૅમ્પિયન ગુકેશનું કિંગ ઉપાડીને ક્રાઉડમાં કેમ ફેંક્યું?

ઍર્લિંગ્ટન (અમેરિકા): ટેક્સસ સ્ટેટના ઍર્લિંગ્ટન શહેરમાં ભારત અને અમેરિકા વચ્ચેની ચેસની પ્રદર્શનીય ઇવેન્ટમાં અમેરિકાના જાણીતા ખેલાડી હિકારુ નાકામુરાએ ભારતના વર્લ્ડ ચૅમ્પિયન ડી. ગુકેશને રૅપિડ ચેસમાં હરાવી દીધા બાદ ચેસ બોર્ડ પરથી ગુકેશનું કિંગ ઉપાડીને પ્રેક્ષકોમાં ફેંક્યું એ ઘટના ચર્ચાસ્પદ થઈ હતી.
સોશ્યલ મીડિયામાં ચેસના નામાંકિત ખેલાડીઓ અને વિશ્વલેષકો નાકામુરા (NAKAMURA)ની આ હરકતથી ગુસ્સે થયા હતા અને મીડિયામાં નાકામુરાની ટીકા થઈ હતી. વિશ્વ વિખ્યાત ખેલાડી વ્લાદિમીર ક્રૅમ્નિકે આ કૃત્ય બદલ નાકામુરાને ખૂબ વખોડ્યો હતો.
આપણ વાંચો: ચેન્નઈમાં ચેસની સ્પર્ધાના સ્થળે આગ, આયોજકોએ બે મોટા નિર્ણય લેવા પડ્યા…
જોકે પછીથી જાણવા મળ્યું હતું કે આ એક્ઝિબિશન ઇવેન્ટ હતી અને એના આયોજકોએ જ `ટૉસિંગ ધ કિંગ’ના આ કૃત્ય કરવા માટેની યોજના ઘડી હતી અને એ મુજબ નાકામુરાએ ગુકેશ (Gukesh)નું કિંગ (king) ક્રાઉડમાં ફેંક્યું હતું.
ચેસ નિષ્ણાત લિવી રૉજમૅને એક યુટ્યૂબ વીડિયોમાં જણાવ્યું, ` આ ઇવેન્ટના આયોજકોએ જ નક્કી કર્યું હતું કે ગુકેશ અને નાકામુરા, બેમાંથી જે પણ ખેલાડી જીતશે તે પરાજિત ખેલાડીનું કિંગ ઉપાડીને ક્રાઉડમાં ફેંકશે. માત્ર પ્રેક્ષકોના મનોરંજન માટે જ આયોજકોએ આ યોજના બનાવી હતી.
આપણ વાંચો: ચેસની વર્લ્ડ ચૅમ્પિયન દિવ્યાને ફડણવીસના હસ્તે ત્રણ કરોડ રૂપિયાનું ઇનામ સુપરત
ગુકેશ જીત્યો હોત તો તેણે નાકામુરાનું કિંગ ચેસપ્રેમીઓમાં ફેંક્યું જ હોત એવું હું ખાતરીથી ન કહી શકું, પરંતુ પછીથી ખુદ નાકામુરાએ ગુકેશ સાથે વાતચીત કરી હતી જેમાં તેણે ગુકેશને વાસ્તવિકતાથી વાકેફ કર્યો હતો અને તેને કહ્યું હતું કે આવું કરીને તેનું અપમાન કરવાનો તેનો કોઈ જ ઇરાદો નહોતો.’
ભારત વતી આ ઇવેન્ટમાં ભાગ લેનારાઓમાં ગુકેશ ઉપરાંત મહિલાઓની વર્લ્ડ કપ વિજેતા દિવ્યા દેશમુખ, અર્જુન એરીગૈસી, સાગર શાહ અને ઇથાન વાઝનો સમાવેશ હતો.