એક ટીમે 312 રન કર્યા પછી બીજી ટીમના પણ 312 રનઃ જાણો મૅચ કેવી રીતે ટાઇ થઈ…
પટેલ સમાજનો ભારતીય મૂળનો ખેલાડી 166 રનની ભાગીદારી પછી સદી ચૂક્યો

લેસ્ટરઃ ઇંગ્લૅન્ડની બે કાઉન્ટી ટીમ વચ્ચેની વન-ડેમાં બુધવારે ગજબ થઈ ગયું. આ મૅચ હાઇ-સ્કોરિંગ ટાઇ (Tie) થઈ. લેસ્ટશર (Leicestershire) કાઉન્ટીની ટીમે 50 ઓવરમાં પાંચ વિકેટે 312 રન કર્યા ત્યાર બાદ ડર્બીશર (Derbyshire)ની ટીમ 50મી ઓવરના અંતિમ બૉલ પર બરાબર 312 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ એટલે મૅચ ટાઇ થઈ હતી.
વન-ડે કપની આ મૅચ હતી જેમાં લેસ્ટશરને 5/312નો તોતિંગ સ્કોર અપાવવામાં ઓપનર રિશી પટેલ (94 રન, 119 બૉલ, ચાર સિક્સર, છ ફોર) અને લુઇસ હિલ (93 રન, 95 બૉલ, બાર ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 166 રનની ભાગીદારી થઈ હતી.
એવું મનાતું હતું કે ડર્બીશરની ટીમ યા તો 313 રનનો લક્ષ્યાંક મેળવી લેશે અથવા હરીફ ટીમની સારી બોલિંગ હોવાને લીધે જરાક માટે રહી જશે.
જોકે બધાની ધારણાથી જુદું જ બન્યું. ડર્બીશરની ટીમ એક જ બૅટ્સમૅનની હાફ સેન્ચુરી બાદ બરાબર 312 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં મુકાબલો ટાઇ થયો હતો.