દુબઈની ફાઈનલમાં પાકિસ્તાનની પહેલી વિકેટ લીધી વલસાડના આ ગુજરાતી પેસ બોલરે

દુબઈ: ભારત સામે આજે અહીં શરૂ થયેલી અન્ડર-19 વન-ડે એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાને બૅટિંગ મળ્યા બાદ ચોથી જ ઓવરમાં ઓપનર ગુમાવી દીધો હતો અને એ વિકેટ મૂળ વલસાડના 18 વર્ષીય પેસ બોલર હેનિલ પટેલે (Henil patel) લીધી હતી.

ભારતીય ટીમના કેપ્ટન અને મૂળ મુંબઈના આયુષ મહાત્રએ ટૉસ (Toss) જીત્યા બાદ ફીલ્ડિંગ પસંદ કરી હતી. તેણે બે પેસ બોલર કિશન સિંહ અને હેનિલ પટેલથી બોલિંગની શરૂઆત કરી હતી અને હેનિલ પટેલે પોતાની બીજી જ ઓવરના ત્રીજા બૉલમાં ઓપનર હમઝા ઝહૂરને આઉટ કરી દીધો હતો. ખુદ આયુષ મ્હાત્રેએ મિડ-ઑફ પર તેનો કૅચ ઝીલ્યો હતો. ઝહૂર માત્ર 14 રન કરી શક્યો હતો.

પાકિસ્તાને (Pakistan) આ પ્રથમ વિકેટ 32મા રન પર ગુમાવી હતી. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં તમામ મૅચો જીતીને ફાઇનલમાં પહોંચી છે. ભારત પાસે વિકેટકીપર-બૅટ્સમૅન અભિજ્ઞાન કુન્ડુ, વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા અને વેદાંત ત્રિવેદી સહિતના ભરોસાપાત્ર બૅટ્સમેનો છે. ફરહાન યુસુફ પાકિસ્તાનનો સુકાની છે.
સપ્ટેમ્બરમાં ભારતની સિનિયર ક્રિકેટ ટીમે દુબઈમાં જ પાકિસ્તાનને (ફાઇનલ સહિત) ઉપરાઉપરી ત્રણ ટી-20 મૅચમાં હરાવીને એશિયા કપનું ચૅમ્પિયનપદ જીતી લીધું હતું. જોકે એની ટ્રોફી હજી સુધી ભારતને મળી નથી.
આપણ વાંચો: T20 વર્લ્ડ કપ પહેલા કેપ્ટન સૂર્યકુમાર યાદવની પણ છુટ્ટી થઈ શકે છે! BCCIએ આપી ચેતવણી



