6 બૉલમાં 4 વિકેટ, આ ફાસ્ટ બોલરે બુમરાહની ખોટ ન વર્તાવા દીધી
ઑસ્ટ્રેલિયનો અત્યારથી જ આ નવા બોલરના નામથી કાંપતા હશે…
ઍડિલેઇડ: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવાર, છઠ્ઠી ડિસેમ્બરથી ઍડિલેઇડમાં રમાનારી બીજી ટેસ્ટ મૅચ (ડે/નાઈટ) પિન્ક બૉલથી રમાવાની છે, પરંતુ નવા ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ રવિવારે કૅનબેરાની ડે/નાઈટ પ્રેક્ટિસ વન-ડે મૅચમાં પિન્ક બૉલથી જે આતંક ફેલાવ્યો એને ભારત સામે રમનારી ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ જરૂર ધ્યાનમાં રાખશે. હર્ષિત એ દિવસે તેના શ્રેષ્ઠ પર્ફોર્મન્સની ચરમસીમાએ હતો. તેણે એક તબક્કે છ બૉલમાં ચાર વિકેટ લીધી હતી.
પર્થની પ્રથમ ટેસ્ટના વિનિંગ કેપ્ટન જસપ્રીત બુમરાહે આ મૅચમાં બોલિંગ નહોતી કરી અને આરામ કર્યો હતો, પરંતુ હર્ષિતે (6-0-44-4) તેની ખોટ જરાય નહોતી વર્તાવા દીધી.
ભારત પાંચ મૅચની બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં 1-0થી આગળ છે. ભારત ટેસ્ટના વર્લ્ડ કપ માટેની ફાઇનલની રેસમાં હજી પણ એકદમ આગળ છે.
બાવીસ વર્ષનો હર્ષિત આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઇડર્સ વતી રમે છે. આ ટીમે તેને ચાર કરોડ રૂપિયામાં રીટેન કર્યો છે. હર્ષિત પર્થની પ્રથમ ટેસ્ટ રમ્યો હતો, પરંતુ તેની આ પહેલી જ આંતરરાષ્ટ્રીય શ્રેણી છે એટલે ઓસ્ટ્રેલિયન બૅટર્સ હજી તેની ઘાતક બોલિંગથી પૂરેપૂરા વાકેફ નથી.
રવિવારે તે પ્રાઈમ મિનિસ્ટર્સ ઇલેવન સામેની મૅચમાં એક તબક્કે બૅટર્સ પર વરસી પડ્યો હતો. કેપ્ટન રોહિતે તેને 15મી ઓવરમાં મોરચા પર બોલાવ્યો હતો. શરૂઆતની તેની ઓવરમાં થોડા રન બન્યા હતા, પણ હરીફ ટીમ માટે તેની 23મી અને 25મી ઓવર ઘાતક બની હતી.
23મી ઓવરની શરૂઆતમાં પીએમ ઇલેવનનો સ્કોર 131/2 હતો, પણ હર્ષિતે એ ઓવરના ચોથા બૉલમાં જેક ક્લેટન (40 રન)ને અને છઠ્ઠા બૉલમાં ઑલિવર ડેવિસને ક્લીન બોલ્ડ કરીને હરીફ ટીમને પોતાની તાકાતનો પરચો કરાવી દીધો હતો.
ત્યાર બાદ હર્ષિતે પચીસમી ઓવરના પહેલા બૉલમાં જેક એડવર્ડ્સ (1)ને અને ત્રીજા બૉલમાં સૅમ હાર્પર (0)ને લૉન્ગ લેગ પર પ્રસિદ્ધ ક્રિષ્નાના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. હર્ષિતે બન્ને બૅટરને મિડલ અને ઑફ સ્ટમ્પ પર એકસરખો શોર્ટ બૉલ ફેંકીને જાળમાં ફસાવ્યા હતા. તેણે જોત જોતામાં (છ બૉલમાં) ચાર વિકેટ લઈને યજમાન ટીમના સ્કોરને 131/2માંથી 133/6માં ફેરવી નાખ્યો હતો.
Also Read – કૅનબેરાની પ્રૅક્ટિસ વન-ડે માં કોહલી અને પંતને બૅટિંગમાંથી આરામઃ રોહિત ટેસ્ટમાં ચોથા નંબરે રમશે?
ભારતે આ મૅચમાં 241 રનનો ટાર્ગેટ ચાર વિકેટના ભોગે મેળવી લીધો હતો.
હર્ષિત આ મહિનાની બાવીસમી તારીખે જિંદગીના 23 વર્ષ પૂરા કરશે. તેણે પર્થની પહેલી ટેસ્ટમાં કુલ ચાર વિકેટ લઈને સફળ ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું.