ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, આ બોલર વર્લ્ડ કપની બહાર જ થઈ ગયો સમજો…

મુંબઈઃ શનિવાર, સાતમી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા ટી-20 વર્લ્ડ કપના ગણતરીના કલાકો પહેલાં ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે જેમાં એનો ફાસ્ટ બોલર હર્ષિત રાણા ઘૂંટણની ઈજાને કારણે આ ટૂર્નામેન્ટની લગભગ બહાર થઈ ગયો છે.
બુધવારે સાઉથ આફ્રિકા સામેની વૉર્મ-અપ મૅચ દરમ્યાન હર્ષિતને ઘૂંટણમાં ઈજા (Injury) પહોંચી હતી. ફિઝિયોથેરપિસ્ટ તેને સમયસર ફિટનેસ પાછી અપાવવા પૂરો પ્રયત્ન કરી રહ્યા છે. કૅપ્ટન સૂર્યકુમાર યાદવે શુક્રવારે બપોર સુધીમાં હર્ષિતને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો એવો કોઈ સંકેત નહોતો આપ્યો, પરંતુ ટીમની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે હર્ષિત આ ટૂર્નામેન્ટ દરમ્યાન ફરી ફિટ થઈ જશે એવી કોઈ સંભાવના નથી. તેને ઘૂંટણ ઉપરાંત સાથળમાં પણ દુખાવો હતો.
હર્ષિત (Harshit)ને આ ઈજા નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામેની મૅચમાં બોલિંગ (Bowling) કરતી વખતે થઈ હતી. તે એ એકમાત્ર ઓવરમાં બે વખત રન-અપ પર અટકી ગયો હતો અને ઘૂંટણ પકડી લીધો હતો. પછીથી તેના એ પગમાં પાટા પણ જોવા મળ્યા હતા.
હર્ષિતે એ મૅચમાં એક જ ઓવર બોલિંગ કરી હતી જેમાં 16 રન બન્યા હતા. જોકે ઇશાન કિશનના ધમાકેદાર 53 રન તેમ જ અભિષેક શર્મા, હાર્દિક પંડ્યા, તિલક વર્મા, અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવ અને રિન્કુ સિંહના યોગદાનોની મદદથી ભારતે પાંચ વિકેટે જે 240 રન કર્યા હતા એ સાઉથ આફ્રિકાને વધુ હતા અને તેઓ 20 ઓવરમાં સાત વિકેટે 210 રન બનાવી શકતા ભારતનો 30 રનથી વિજય થયો હતો.
ટીમમાં કુલ ચાર ફાસ્ટ બોલર
હર્ષિત રાણાની ગેરહાજરીમાં ભારત પાસે મુખ્ય બે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ તેમ જ બીજા બે સપોર્ટિંગ પેસ બોલર હાર્દિક પંડ્યા અને શિવમ દુબે છે. ભારતના સ્પિનર્સમાં કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર અને અભિષેક શર્માનો સમાવેશ છે.
હર્ષિતે તાજેતરમાં બૅટિંગમાં પણ ઝળકેલો
હર્ષિત રાણાની હાજરીથી ભારતની બૅટિંગ લાઇન-અપ છેક નવમા નંબર સુધી ગણાતી હતી. તેણે તાજેતરમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની ત્રીજી વન-ડેમાં 50 મિનિટ સુધી ક્રીઝમાં ટકી રહીને 43 બૉલમાં ચાર છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી બાવન રન કર્યા હતા.



