સ્પોર્ટસ

બ્રેવિસને ` ચાલતી પકડ’ એવા અર્થમાં પૅવિલિયનમાં પાછા જવાનો ઇશારો કરવા બદલ હર્ષિત રાણાને ઠપકો

રાંચીઃ સાઉથ આફ્રિકા સામે રાંચીમાં સિરીઝની પ્રથમ વન-ડેમાં પેસ બોલર હર્ષિત રાણા (10-0-65-3)એ બહુ સારી બોલિંગ કરી હતી અને શરૂઆતમાં એક ઓવરમાં તેણે રાયન રિકલ્ટન (0) અને ક્વિન્ટન ડિકૉક (0)ની વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો, પરંતુ પછીથી એક ઘટના એવી બની જેને લીધે હર્ષિતને રિચી રિચર્ડસને ઠપકો આપ્યો હતો અને તેના નામે એક ડીમેરિટ (Demerit) પૉઇન્ટ લખ્યો હતો.

હર્ષિતે (Harshit) શરૂઆતમાં સાઉથ આફ્રિકાને લાગલગાટ બે ઝટકા આપ્યા ત્યાર બાદ ભારતીય ટીમને ટક્કર આપીને 28 બૉલમાં 37 રન કરનાર ડેવાલ્ડ બ્રેવિસને બાઉન્ડરી લાઇનની નજીક ઋતુરાજ ગાયકવાડના હાથમાં કૅચઆઉટ કરાવ્યા બાદ હર્ષિતે બે્રવિસ સામે આક્રમકતા બતાવી હતી અને પહેલી આંગળી બતાવીને તેણે બ્રેવિસ (BREVIS)ને ` ચાલતી પકડ’ એવા અર્થમાં પૅવિલિયનમાં પાછા જવાનો ઇશારો કર્યો હતો.

આ પણ વાંચો : ‘…નહીંતર બહાર બેસાડી દઈશ’ ગૌતમ ગંભીરે હર્ષિત રાણાને આવી ચેતવણી કેમ આપી?

હર્ષિતને આ કરતૂત બદલ રિચર્ડસને ઠપકો આપ્યો હતો કે ક્રિકેટ જેન્ટલમૅન્સ ગેમ છે અને એમાં આવી કોઈ પણ પ્રકારની હરકત ચાલે નહીં. હર્ષિતે આઇસીસીની આચારસંહિતાની કલમ 2.5નો ભંગ કર્યો અને ગુનો કબૂલ્યો એ બદલ તેને આ હળવી સજા કરવામાં આવી છે. મેદાન પરના બન્ને અમ્પાયર તેમ જ થર્ડ અમ્પાયર (ટીવી અમ્પાયર) તથા ફોર્થ અમ્પાયરે હર્ષિત વિરુદ્ધ કરેલી ફરિયાદને આધારે રિચર્ડસને તેની સામે પગલું લીધું હતું.

મૅચ રેફરી રિચર્ડસનનું એવું પણ કહેવું હતું કે હર્ષિતના આવા ઇશારાથી બૅટ્સમૅન ઉશ્કેરાઈ શક્યો હોત જેને કારણે મેદાન પર વાતાવરણ તંગ થઈ શક્યું હોત. 24 મહિનામાં હર્ષિતની આ પહેલી જ કસૂર હોવાથી તેને માત્ર ઠપકો અપાયો છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button