સ્પોર્ટસ

હર્ષિત રાણા સર્જરીને લીધે આઇપીએલની શરૂઆતની મૅચો કદાચ ગુમાવશે…

નવી દિલ્હીઃ ભારતીય પેસ બોલર હર્ષિત રાણા (Harshit Rana)એ ઘૂંટણમાં ઑપરેશન કરાવ્યું છે જેને કારણે તે આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ (ipl)ની શરૂઆતની અમુક મૅચો ગુમાવશે.

હર્ષિતને શનિવારે અમેરિકા સામેની વર્લ્ડ કપની પ્રથમ મૅચ અગાઉ નવી મુંબઈમાં સાઉથ આફ્રિકા સામેની પ્રૅક્ટિસ મૅચમાં અચાનક ઘૂંટણ (Knee)માં દુખાવો શરૂ થયો હતો જેને લીધે તે આ ટુર્નામેન્ટની બહાર થઈ ગયો હતો. તેના સ્થાને મોહમ્મદ સિરાજને રમવા મળ્યું અને તેણે અમેરિકા સામેની મૅચમાં ત્રણ વિકેટ લીધી હતી.

હર્ષિત રાણાએ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં ડૉ. દિનશા પારડીવાલા પાસે ઘૂંટણમાં સર્જરી કરાવી છે. હર્ષિત જરૂરી આરામ કર્યા બાદ બેંગ્લૂરુમાં બીસીસીઆઇના સેન્ટર ઑફ એક્સેલન્સમાં રિહૅબિલિટેશન માટે જશે.

કેટલાક સૂત્રોના જણાવ્યા મુજબ હર્ષિત રાણા આખી આઇપીએલ નહીં ગુમાવે, પણ ઘણી મૅચો ગુમાવશે. તેને કોલકાતા નાઇટ રાઇડર્સે 4.00 કરોડ રૂપિયામાં રીટેન કર્યો છે. જોકે હવે કેકેઆરના ફ્રૅન્ચાઇઝીએ આગામી સીઝન માટેની યોજનામાં થોડો ફેરફાર કરવો પડશે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button