હૅરી બ્રૂકની બે જીવતદાન બાદ વળતી લડત, જૅમી સ્મિથનો કૅચ પકડવામાં જાડેજા-સુદર્શનનું ટીમ-વર્ક

લીડ્સઃ ભારતીય ઝડપી બોલર્સના પેસ તેમ જ સ્વિંગ અને સીમમાં સાતત્યતાનો અભાવ હોવાનો ઇંગ્લૅન્ડના મિડલ-ઑર્ડરના બૅટ્સમૅન હૅરી બ્રૂકે (57 નૉટઆઉટ, 77 બૉલ, એક સિક્સર, સાત ફોર) લંચ પહેલાં લાભ લીધો હતો અને ઇંગ્લૅન્ડને ફૉલો-ઑનના ભયમાંથી મુક્ત કરાવ્યું હતું. હૅરી બ્રૂક (HARRY BROOK) ત્યાં સુધીમાં બે જીવતદાન મેળવી ચૂક્યો હતો. લંચ વખતે રમત અટકી ત્યારે બ્રિટિશ ટીમનો સ્કોર પાંચ વિકેટે 327 રન હતો અને ભારતથી તેઓ 144 રન પાછળ હતા. જોકે લંચ બાદ થોડી જ વારમાં વિકેટકીપર જૅમી સ્મિથ (40 રન, બાવન બૉલ, એક સિક્સર, પાંચ ફોર)એ વિકેટ ગુમાવી હતી. તેને પ્રસિદ્ધ ક્રિષ્નાએ આઉટ કર્યો હતો. રવીન્દ્ર જાડેજાએ ડીપ સ્ક્વેર લેગ પર બાઉન્ડરી લાઇનની નજીક બૉલ ઝીલ્યો હતો, પણ પોતે બાઉન્ડરી લાઇનની બહાર જઈ શકે એવું વિચારીને તેણે પળવારમાં બૉલ નજીકમાં ઊભેલા સાઇ સુદર્શનને સોંપ્યો હતો અને સુદર્શને કૅચ ઝીલી લીધો હતો. એ સાથે, જૅમી સ્મિથ (JAMIE SMITH)નો કૅચ ઝીલવામાં જાડેજા-સુદર્શન (JADEJA, SUDARSHAN)નું સુંદર ટીમ-વર્ક જોવા મળ્યું હતું.
પ્રથમ ટેસ્ટમાં ત્રીજા દિવસે ઇંગ્લૅન્ડની ટીમે 3/209ના સ્કોર પરથી રમવાનું શરૂ કર્યું હતું અને ફૉલો-ઑનના ભયમાંથી બહાર આવવા તેમ જ ભારતીય બોલર્સ પર માનસિક દબાણ લાવવા ઝડપથી રન બનાવ્યા હતા. તેમણે લંચ પહેલાંની 28 ઓવરમાં 118 રન કર્યા હતા. હૅરી બ્રૂકને 46 રનના પોતાના સ્કોર પર જીવતદાન મળ્યું હતું. રવીન્દ્ર જાડેજાના બૉલમાં વિકેટકીપર રિષભ પંતથી બ્રૂકનો કૅચ છૂટી ગયો હતો. ત્યારે ઇંગ્લૅન્ડનો સ્કોર પાંચ વિકેટે 300 રન હતો. જાડેજા પિચ પરના ખરાબ ભાગ પર બૉલની ટપ પાડીને ફાયદો લેવાના પ્રયાસમાં હતો, પરંતુ પંત કૅચ ઝીલવામાં નિષ્ફળ ગયો હતો. ત્યાર બાદ હૅરી બ્રૂકે 12મી હાફ સેન્ચુરી પૂરી કરી હતી.
શનિવારે બીજા દિવસની રમતના અંતની થોડી ક્ષણો પહેલાં બુમરાહે હૅરી બ્રૂકને આઉટ કર્યો હતો, પણ તેનો એ નો-બૉલ હતો. બ્રૂકનું એ પ્રથમ જીવતદાન હતું. ઇંગ્લૅન્ડનો સ્કોર પાંચ વિકેટે 290 રન હતો ત્યારે વિકેટકીપર જૅમી સ્મિથ થર્ડ અમ્પાયરના નિર્ણય બદલ બચી ગયો હતો. શાર્દુલના સ્વિંગ થતા ફુલટૉસમાં સ્મિથ સામે અપીલ થઈ હતી, અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો, પણ ડીઆરએસમાં થર્ડ અમ્પાયરે જોયું કે બૉલ લેગ સ્ટમ્પની બહાર જઈ રહ્યો હતો એટલે સ્મિથને નૉટઆઉટ જાહેર કર્યો હતો.
શનિવારે વર્લ્ડ નંબર-વન બોલર જસપ્રીત બુમરાહ સહિતના તમામ બોલર્સને ટક્કર આપનાર ઑલી પૉપ (106 રન, 137 બૉલ, 14 ફોર)ને રવિવારે પ્રસિદ્ધ ક્રિષ્નાએ વિકેટકીપર રિષભ પંતના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. પેસ બોલર મોહમ્મદ સિરાજે ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટૉક્સ (20 રન)ને આઉટ કરીને છેક 18મી ઓવરમાં આ મૅચમાં પહેલી સફળતા મેળવી હતી. શનિવારે ઇંગ્લૅન્ડની પહેલી ત્રણેય વિકેટ જસપ્રીત બુમરાહે લીધી હતી.
આ પણ વાંચો…ઇંગ્લૅન્ડના બન્ને ઓપનરને બુમરાહે પૅવિલિયનમાં મોકલ્યા