બ્રૂકને માત્ર એક પૉઇન્ટે બનાવી દીધો નવો નંબર-વન, બુમરાહ અને જાડેજા હજીયે અવ્વલ…

દુબઈઃ આઇસીસીના બૅટર્સના ટેસ્ટ રૅન્કિંગમાં ઇંગ્લૅન્ડના બૅટર જૉ રૂટના લાંબા સમયના શાસનનો અંત આવ્યો છે. જોકે નંબર-વન બૅટર તરીકે તેનું સ્થાન તેના જ દેશના હૅરી બ્રૂકે લીધું છે. બ્રૂક ફક્ત એક પૉઇન્ટ માટે રૂટને હટાવીને અવ્વલ થઈ ગયો છે. ટેસ્ટના બોલર્સમાં જસપ્રીત બુમરાહ હજીયે નંબર-વન છે અને ઑલરાઉન્ડર્સમાં રવીન્દ્ર જાડેજાએ પણ મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે.
આ પણ વાંચો : `ટ્રેવિસ હેડ હૈદરાબાદ આવે ત્યારે તેની ધરપકડ જ કરી લેજે’, હરભજને સિરાજને આવું કેમ કહ્યું?
પચીસ વર્ષીય હૅરી બ્રૂકે ન્યૂ ઝીલૅન્ડ સામેની તાજેતરની આઠમી ટેસ્ટ-સદીની મદદથી રૂટની જગ્યાએ બૅટિંગના રૅન્કિંગમાં સર્વોચ્ચ સ્થાન હાંસલ કર્યું છે.
હૅરી બ્રૂકના 898 રેટિંગ પૉઇન્ટ છે, જ્યારે રૂટ 897 પૉઇન્ટ સાથે બીજા નંબર પર છે. કેન વિલિયમસન (812) ત્રીજા ક્રમે અને યશસ્વી જયસ્વાલ (811) ચોથા ક્રમે છે.
ઑસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડને ભારત સામેની તાજેતરની મૅચ-વિનિંગ સેન્ચુરી (140 રન)થી ખૂબ ફાયદો થયો છે. તેણે છ ક્રમની છલાંગ લગાવી છે અને ટૉપ-ફાઇવમાં આવી ગયો છે.
દરમ્યાન ન્યૂ ઝીલૅન્ડના ડેરિલ મિચલને ત્રણ સ્થાનનું નુકસાન થયું છે. તે 729 પૉઇન્ટ સાથે પાંચમા ક્રમેથી આઠમા ક્રમ પર જતો રહ્યો છે. રિષભ પંતે પણ થોડી પીછેહઠ કરવી પડી છે. તે 724 પૉઇન્ટ સાથે નવમા સ્થાને ગયો છે. તેને પણ ત્રણ ક્રમનું નુકસાન થયું છે. પાકિસ્તાનનો સાઉદ શકીલ પણ 724 પૉઇન્ટ સાથે પંત સાથે સંયુક્ત રીતે નવમા નંબરે છે.
આ પણ વાંચો : અબુધાબી ટી-10 ટીમના કોચ પર આઇસીસીનો છ વર્ષનો પ્રતિબંધ
ટેસ્ટ બૅટિંગના ટૉપ-ફાઇવ
બૅટિંગઃ હૅરી બ્રૂક (898), જૉ રૂટ (897), કેન વિલિયમસન (812), યશસ્વી જયસ્વાલ (811) અને ટ્રેવિસ હેડ (781).
બોલિંગઃ જસપ્રીત બુમરાહ (890), કૅગિસો રબાડા (856), જૉશ હૅઝલવૂડ (851), પૅટ કમિન્સ (816) અને આર. અશ્વિન (797).
ઑલરાન્ડરઃ રવીન્દ્ર જાડેજા (415), મેહદી હસન (284), આર. અશ્વિન (283), શાકિબ અલ હસન (263), માર્કો યેનસેન (260).