વેસ્ટ ઈન્ડિઝની સરસાઈ પછી ઇંગ્લૅન્ડને ત્રણ બેટર્સે ઉગાર્યું

નોંટિંગહૅમ: યજમાન ઇંગ્લૅન્ડની ટીમે અહીં વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટના બીજા દાવમાં શનિવારના ત્રીજા દિવસે ત્રણ વિકેટે 248 રન બનાવ્યા હતા. ત્રણ બેટર્સની હાફ સેન્ચુરીને કારણે ઇંગ્લૅન્ડે 41 રનની સરસાઈ ઉતારી લેતાં છેવટે એનો સ્કોર 207/3 હતો.
અમ્પાયરોએ ત્રીજા દિવસની રમત સમાપ્ત જાહેર કરી ત્યારે હૅરી બ્રુક 71 રને અને જો રૂટ 37 રને દાવમાં હતો. બંને વચ્ચેની ત્રીજી વિકેટ માટેની 108 રનની અતૂટ ભાગીદારીએ ટીમને મુશ્કેલીમાંથી ઉગારી લીધી હતી.
એ પહેલાં, પ્રથમ દાવનો હીરો બેન ડકેટ 92 બોલમાં 11 ફોરની મદદથી 76 રન બનાવીને આઉટ થયો હતો. તેની અને શનિવારના ત્રીજા હાફ સેન્ચુરિયન ઑલી પોપ (51 રન) વચ્ચે બીજી વિકેટ માટે 119 રનની પાર્ટનરશિપ થઈ હતી.
વેસ્ટ ઈન્ડિઝના પેસ બોલર અલ્ઝારી જોસેફે બે વિકેટ લીધી હતી. ઓપનર ઝેક ક્રોવ્લી ફક્ત ત્રણ રન બનાવીને રનઆઉટ થયો હતો. પહેલા દાવમાં તેનો ઝીરો હતો.
પ્રથમ ઇનિંગ્સમાં ઇંગ્લૅન્ડે 416 રન બનાવ્યા બાદ વેસ્ટ ઇન્ડીઝે કેવમ હોજના 120 રન, જોશુઆ ડા’સિલ્વાના અણનમ 82 રન તથા ઍલિક ઍથેનેઝના 82 રનની મદદથી 457 રન બનાવીને 41 રનની લીડ લીધી હતી.