ઇંગ્લૅન્ડના સ્ટાર-બૅટ્સમૅને નાઇટ-ક્લબની ઘટના બદલ બે મહિને માફી માગી

સિડનીઃ ઇંગ્લૅન્ડના સ્ટાર-બૅટ્સમૅન હૅરી બ્રૂકે (Harry Brook) બે મહિના પહેલાંની પોતાના એક કરતૂત વિશે હવે માફી માગી છે. ઍશિઝ સિરીઝ માટે ઑસ્ટ્રેલિયા આવતાં પહેલાં ન્યૂ ઝીલૅન્ડના વન-ડે શ્રેણીના પ્રવાસ દરમ્યાન તેણે જે કર્યું હતું એનો તેને હવે પસ્તાવો થયો છે અને તેણે કહ્યું છે કે તે પોતાના એ કરતૂત બદલ ખેદ અનુભવે છે.
હૅરી બ્રૂકે 2025ની પહેલી નવેમ્બરે વેલિંગ્ટનમાં ન્યૂ ઝીલૅન્ડ સામે રમાયેલી વન-ડેની પૂર્વસંધ્યાએ નાઇટ ક્લબમાં પ્રવેશ ન મળતાં બાઉન્સર (Bouncer) સાથે ઝઘડો કર્યો હતો. એ તકરાર દરમ્યાન હૅરી બ્રૂકનું વર્તન ખરાબ હોવાથી બાઉન્સરે તેને માર્યો હતો એવું એક અહેવાલમાં જણાવાયું હતું. એ ઘટનાથી ઇંગ્લૅન્ડની ટીમની નામોશી થઈ હતી. બ્રૂકને એ કરતૂત બદલ 30,000 પાઉન્ડનો દંડ (Fine) પણ થયો હતો.

ન્યૂ ઝીલૅન્ડે એ વન-ડે શ્રેણીમાં ઇંગ્લૅન્ડનો 3-0થી વાઇટવૉશ કર્યો હતો અને ત્યાર બાદ હવે ઑસ્ટ્રેલિયા સામેની ઍશિઝ ટેસ્ટ શ્રેણીમાં ઇંગ્લૅન્ડે 1-4થી હાર જોવી પડી છે. બ્રૂકે એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં તેણે જણાવ્યું છે કે નવેમ્બરની ઘટનામાં પોતાનો વ્યવહાર સારો નહોતો અને એ બદલ પોતે શરમ અનુભવે છે.
બ્રૂકે એવું પણ કહ્યું છે કે ` ઇંગ્લૅન્ડની ટીમનું પ્રતિનિધિત્વ કરવા મળે એ બહુ મોટું ગૌરવ કહેવાય અને નવેમ્બરમાં ટીમને, સાથી ખેલાડીઓને, કોચને તેમ જ સમર્થકોને નિરાશ કરવા બદલ પોતે ખેદ અનુભવે છે. હું જાણું છું કે જવાબદારી જેમને સોંપાઈ હોય તેમ જ જેમણે પ્રોફેશનાલિઝમને ધ્યાનમાં રાખીને વર્તન કરવાનું હોય એવા લોકો પાસેથી બહુ મોટી અપેક્ષા રખાતી હોય છે. હું આ ભૂલ પરથી શીખીશ અને મેદાન પર તેમ જ મેદાનની બહાર મારા પર લોકોનો ભરોસો કાયમ રહે એ માટે હું પૂરો પ્રયત્ન કરીશ.’
નાઈટ ક્લબની ઘટના છતાં ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડે હૅરી બ્રૂકને વાઇટ-બૉલ ક્રિકેટ (વન-ડે તથા ટી-20)ની ટીમના કૅપ્ટનપદે જાળવી રાખ્યો છે. ઑસ્ટ્રેલિયા સામેની ઍશિઝ સિરીઝમાં તેના કુલ 358 રન તમામ બૅટ્સમેનોમાં ત્રીજા નંબરે હતા એમ છતાં તે બ્રિટિશ ટીમને 1-4ના મોટા માર્જિનવાળા પરાજયથી બચાવી નહોતો શક્યો.
આ પણ વાંચો…ઍશિઝ સિરીઝમાં છેલ્લા દિવસે આવી ગયું પરિણામ, ભારે રસાકસી વચ્ચે ઑસ્ટ્રેલિયા…



