
મુંબઇ: એશિયન ગેમ્સમાં ભારતીય ખિલાડીઓની જોરદાર કામગીરી દેખાઇ રહી છે. સોમવારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગોલ્ડ મેળવ્યો હતો. ત્યારે આજે એટલે કે મંગળવારે ભારતીય હોકી ટીમે સીંગાપુરને દયનીય સ્થિતીમાં લાવીને હરાવ્યું હતું. ભારતીય હોકી ટીમે સીંગાપુરની ટીમને 16-1થી હરાવી હતી. ભારતે પહેલી મીનીટથી જ આ સ્પર્ધામાં જોરદાર પ્રદર્શન કર્યુ હતું. ભારતે પહેલા ક્વાર્ટરમાં 1 ગોલ કરી સારી શરુઆત કરી હતી. ત્યાર બાદ એક પછી એક ગોલ કરી ખિલાડીઓએ ભારતને જીત અપાવી હતી. કેપ્ટન હરમનપ્રીત સિંહે 4 ગોલ કર્યા હતાં. જ્યારે મનદીપ સિંહે ગોલની હેટ્રીક કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉની તમામ મેચમાં ભારતનું વર્ચસ્વ રહ્યું હતું. ભારતીય હોકી ટીમે ઉજ્બેકિસ્તાનને 16-0થી હરાવ્યું હતું. અને આજે ભારતીય ટીમે સિંગાપુરની ટીમને પણ ધૂળ ચટાવી હતી. મનદીપ સિંહે 13મી મિનીટે ભારત માટે પહેલો ગોલ કર્યો હતો. આ ગોલને કારણે જ પહેલા ક્વાર્ટરમાં ભાર 1-0થી આગળ હતું.
બીજા ક્વાર્ટરની શરુઆતમાં 16મી મિનીટે લલીત કુમારે ભારત માટે બીજો ગોલ કર્યો હતો. ત્યાર બાદ 22મી મિનીટે ગુજરંતે ત્રીજો અને 23મી મિનીટે વિવેક સાગર પ્રસાદે ચોથો ગોલ માર્યો હતો. પછી કેપ્ટન હરમનપ્રીત સિંહે સ્ટ્રાઇક લીધી અને ભારતના ખાતામાં પાંચમો ગોલ આપ્યો. મનદીપ સિંહે 29મી મિનીટે પોતાનો બીજો અને ટીમનો છઠ્ઠો ગોલ કર્યો હતો. આ રીતે ભારતે ફર્સ્ટ હાફમાં 6-0થી લીડ મેળવી હતી.
સેકન્ડ હાફમાં ભારતીય ખિલાડીઓ રમતને વધુ ઉપર લઇ ગયા હતાં. સેકન્ડ હાફ શરુ થયા બાદ તરત જ 37મી મિનીટે મનદીપ સિંહે ગોલ કર્યો. ત્યાર બાદ 38મી મિનીટે શમશેર સિંહે આઠમો ગોલ કર્યો હતો. 40મી મિનીટે કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર દ્વારા બે ગોલ કર્યા. આ રીતે ભારતે સેકન્ડ હાફની પણ દમદાર શરુઆત કરી હતી.
ત્યાર બાદ ભારત 10-0થી આગળ હતું.
42મી મિનીટે કેપ્ટન હરમનપ્રીત સિંહે વધુ એક પેનલ્ટી કોર્નર લઇ 11મો ગોલ માર્યો અને ભારત 11-0થી આગળ થઇ ગયું. મનદીપ સિંહે 51માં મિનીટે બે ગોલ અને અભિષેકે 51 અને 52મી મિનીટે બે ગોલ કર્યા હતાં. ત્યાર બાદ 53મી મિનીટે સિંગાપુરના ઝકી જુલ્કરનૈને ટીમ માટે પહેલો અને છેલ્લો ગોલ કર્યો હતો. અને છેલ્લે બે મિનીટમાં ભારતના વરુણ કુમારે 55મી મિનીટે એક પછી એક બે ગોલ કરી ભારતને 16-1ની લીડ અપાવી હતી.