હરમનપ્રીત સેના બની ચેઝ-માસ્ટર: ઇંગ્લૅન્ડમાં ભારતીય મહિલાઓએ પુરુષોને શરમાવ્યા | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

હરમનપ્રીત સેના બની ચેઝ-માસ્ટર: ઇંગ્લૅન્ડમાં ભારતીય મહિલાઓએ પુરુષોને શરમાવ્યા

સાઉધમ્પ્ટન: ઇંગ્લૅન્ડમાં ભારતના પુરુષ ક્રિકેટરો કરતાં મહિલા ખેલાડીઓ સારું પર્ફોર્મ કરી રહી છે.
સોમવારે લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટના છેલ્લા દિવસે રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજની અભૂતપૂર્વ લડત છેવટે પાણીમાં ગઈ હતી, કારણકે ટૉપ-ઓર્ડરના બૅટ્સમેનો ફ્લૉપ રહ્યા હતા. જોકે ઇંગ્લૅન્ડ (England)ની મહિલા ખેલાડીઓ સામેની ટી-20 સિરીઝ 3-2થી જીતી લીધા પછી હવે ભારતીય મહિલાઓ (India women)એ વન-ડે શ્રેણીમાં જીતવાનું શરૂ કરી દીધું છે. તેમણે સિરીઝની પહેલી વન-ડે છ વિકેટે જીતી લીધી છે.

https://twitter.com/BCCIWomen/status/1945566881693475080

મહિલાઓમાં ઇંગ્લૅન્ડની વન-ડે ટીમ વિશ્વમાં નંબર-ટૂ અને ભારતની ટીમ નંબર-થ્રી છે. જોકે ભારતીય ટીમ બુધવારે ઇંગ્લૅન્ડની ધરતી પર સતત ચોથી વન-ડે જીતી હતી. વર્તમાન ટૂર અગાઉ (2022માં) ભારતીય મહિલા ટીમે ઇંગ્લૅન્ડમાં બ્રિટિશ મહિલા ટીમને સતત ત્રણ વન-ડેમાં પરાજિત કરી હતી અને હવે ચોથી વન-ડે જીતીને વર્તમાન શ્રેણીમાં 1-0થી સરસાઈ લીધી છે.

https://twitter.com/BCCIWomen/status/1945519486037303781

બુધવારે હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur)ની કેપ્ટન્સીમાં ભારતીય મહિલા ટીમે 259 રનનો મોટો લક્ષ્યાંક નૅટ સિવર-બ્રન્ટની ટીમને જોરદાર લડત આપીને છેવટે મેળવી લીધો હતો. એક સમયે ભારતે 124 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ છઠ્ઠા નંબર પર રમનાર પ્લેયર ઑફ ધ મૅચ દીપ્તિ શર્મા (62 અણનમ, 64 બૉલ, એક સિકસર, ત્રણ ફોર) અને જેમાઈમા રોડ્રિગ્સ (48 રન, 54 બૉલ, પાંચ ફોર) વચ્ચેની પાંચમી વિકેટ માટે 86 બૉલમાં બનેલી 90 રનની ભાગીદારીએ રંગ રાખ્યો હતો. તેમણે ભારતના સ્કોરને 42મી ઓવરમાં 214 રન સુધી પહોંચાડ્યો હતો અને ત્યારે જેમાઈમાની વિકેટ પડી હતી.

જેમાઈમાની પાંચમી વિકેટ પડ્યા બાદ દીપ્તિ (Deepti Sharma)એ વિકેટકીપર રિચા ઘોષ (12 બૉલમાં 10 રન) સાથેની 15 રનની અને અમનજોત કૌર (14 બૉલમાં અણનમ 20) સાથેની 33 રનની અતૂટ ભાગીદારીથી ભારતને 10 બૉલ બાકી રાખીને વિજય અપાવી દીધો હતો.

આ જીતમાં ટૉપ-ઑર્ડરની બૅટર્સમાંથી પ્રતિકા રાવલ (26 રન), સ્મૃતિ મંધાના (28 રન), હર્લીન દેઓલ (27 રન) અને હરમનપ્રીત (17 રન)ના મહત્ત્વના યોગદાન હતા. ભારતીય ટીમે 48.2 ઓવરમાં 6/262ના સ્કોર સાથે વિજય હાંસલ કરી લીધો હતો.

એ પહેલાં, ઇંગ્લૅન્ડની ટીમે 50 ઓવરમાં 258 રન કર્યા હતા. એમાં સોફિયા ડન્કલીના 83 રન હાઈએસ્ટ હતા. એલિસ ડેવિડસન-રિચર્ડ્સે પણ હાફ સેન્ચુરી (53 રન) ફટકારી હતી. ભારત વતી પેસ બોલર ક્રાંતિ ગૌડ અને ઑફ સ્પિનર સ્નેહ રાણાએ સૌથી વધુ બે-બે વિકેટ લીધી હતી.

આ પણ વાંચો…મૅન્ચેસ્ટર ભારત માટે ખરાબ સપનાં જેવું, એકેય જીત નહીં અને બહુ ઓછા ભારતીયોની સેન્ચુરી…

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button