સ્પોર્ટસ

હરમનપ્રીતની પાંચ સિક્સર, રેકૉર્ડ-બ્રેક પર્ફોર્મન્સથી દિલ્હીનું સ્ટેડિયમ ગજાવ્યું: મુંબઈ પ્લે-ઑફમાં

નવી દિલ્હી: વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં શનિવારે મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને સાત વિકેટે હરાવીને સંભવિત હારને જીતમાં ફેરવી નાખી હતી. સૌથી વધુ 10 પૉઇન્ટ ધરાવનાર મુંબઈની ટીમે પ્લે-ઑફમાં સ્થાન બુક કરાવી લીધું છે.

મૅચની છેલ્લી છ ઓવરમાં રન બનાવવાનો અગાઉ ક્યારેય કોઈ ટીમે ન કર્યો હોય એવો રેકૉર્ડ શનિવારે રચાયો હતો. ગુજરાત સામે ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈએ છેલ્લા 36 બૉલમાં જીતવા 91 રન બનાવવાના હતા અને કૅપ્ટન હરમનપ્રીત કૌર (95 અણનમ, 48 બૉલ, પાંચ સિક્સર, દસ ફોર) ત્યારે ક્રીઝમાં હતી અને 20 રન પર રમી રહી હતી.


ત્રણ જ વિકેટ પડી હતી, પણ 91 રન છ ઓવરમાં બનાવવા એટલે કામ બહુ કઠિન હતું. જોકે હરમનપ્રીતે એ તબક્કેથી ફટકાબાજી શરૂ કરી અને છેક જીત મળી ત્યાં સુધી તે અટકી નહોતી અને ઍમેલી કેરના સપોર્ટથી મુંબઈને જિતાડીને રહી હતી. મુંબઈએ વિજય મેળવ્યો ત્યારે ફક્ત એક બૉલ બાકી રહ્યો હતો. હરમનપ્રીત ફક્ત પાંચ રન માટે ડબ્લ્યૂપીએલમાં સેન્ચુરી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બનવાનું ચૂકી ગઈ હતી, પણ પોતાની ટીમને વિજય અપાવવા બદલ તેને સદી ચૂકી ગયાનો જરાય અફસોસ નહીં હોય. ડબ્લ્યૂપીએલમાં ન્યૂ ઝીલૅન્ડની સૉફી ડિવાઇનના 99 રન હાઈએસ્ટ વ્યક્તિગત સ્કોર છે.

ડબ્લ્યૂપીએલની એક મૅચમાં ઇનિંગ્સની છેલ્લી છ ઓવરમાં ક્યારેય કોઈ ટીમ 83થી વધુ રન નહોતી બનાવી શકી, પણ હરમનપ્રીતની ધાંસૂ ફટકાબાજીથી મુંબઈએ અંતિમ છ ઓવરમાં 91 રન બનાવીને નવો રેકૉર્ડ સ્થાપિત કર્યો હતો. હરમનપ્રીત ડબ્લ્યૂપીએલમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર ધરાવનાર ભારતીય ખેલાડી પણ બની હતી. તેણે શેફાલી વર્માનો વિક્રમ પણ તોડી નાખ્યો હતો. દિલ્હી કૅપિટલ્સની શેફાલીએ ગયા વર્ષની ડબ્લ્યૂપીએલમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વિરુદ્ધ 84 રન બનાવ્યા હતા, જ્યારે હવે હરમનપ્રીતના અણનમ 95 રન ભારતીય પ્લેયરોમાં હાઈએસ્ટ છે. તેણે શનિવારે પહેલી સિક્સર ટીમની 15મી ઓવરમાં બીજી તથા બીજી તથ ત્રીીજી સિક્સર 18મી ઓવરમાં, ચોથી સિક્સર 19મી ઓવરમાં અને પાંચમી સિક્સર 20મી ઓવરમાં ફટકારી હતી.


હરમનપ્રીતે ફાસ્ટ બોલરો મેઘના સિંહ અને શબનમ એમડીની બોલિંગને ચીંથરેહાલ કરી નાખી હતી. એ ઉપરાંત સ્નેહ રાણાની ઓવરમાં 24 રન બનાવીને હરમનપ્રીતે ગુજરાતની ટીમ પર સંપૂર્ણ વર્ચસ બતાવ્યું હતું. કોઈ પણ બોલર હરમનપ્રીતના રનમશીનને બ્રેક લગાવવાની સ્થિતિમાં નહોતી. ગુજરાતે 20 ઓવરમાં સાત વિકેટે 190 રન બનાવ્યા હતા જેના જવાબમાં મુંબઈએ 19.5 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે 191 રન બનાવીને સતત બીજી સીઝનમાં પ્લે-ઑફમાં નામ બુક કરાવી લીધું હતું. મુંબઈએ છેલ્લી પાંચ ઓવરમાં 72 રન બનાવવાના હતા અને ત્યારે મુંબઈની જીત મુશ્કેલી જણાતી હતી, પરંતુ હરમનપ્રીતની તૂફાની ઇનિંગ્સએ તેની ટીમને યાદગાર વિજય અપાવ્યો હતો.


પ્લેયર ઑફ ધ મૅચ હરમનપ્રીત 14મી ઓવરને અંતે 20 રન પર હતી જે તેણે 21 બૉલમાં બનાવ્યા હતા. તેણે ત્યાર પછીના 75 રન માત્ર 27 બૉલમાં બનાવ્યા હતા. હરમનપ્રીતે છેલ્લા 24 બૉલમાં 75 રન ઝૂડી કાઢ્યા હતા. તેણે વિજય અપાવતાં જ તેની ટીમની ખેલાડીઓએ દોડી આવીને તેને ઊંચકી લીધી હતી. હરમનપ્રીતની સાથે ઍમેલી કેર 12 રને અણનમ રહી હતી.


એ પહેલાં, ગુજરાતે બૅટિંગ લીધા પછી સાત વિકેટે જે 190 રન બનાવ્યા એમાં કૅપ્ટન બેથ મૂનીના 66 રન અને દયાલન હેમલતાના 74 રન સામેલ હતા. હરમનપ્રીતે આઠ બોલરને અજમાવી હતી જેમાં સાઇકા ઇશાકે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button