હરમનપ્રીત કૌર જ કૅપ્ટન: રિચા ઘોષ બારમાની પરીક્ષાને કારણે કિવીઓ સામે નહીં રમે
નવી દિલ્હી: ભારતીય મહિલા ટીમ ટી-20 વર્લ્ડ કપમાંથી વહેલી આઉટ થઈ ગઈ એમ છતાં હરમનપ્રીત કૌરને જ ન્યૂ ઝીલૅન્ડ સામેની આગામી વન-ડે સિરીઝ માટેની ટીમનું સુકાન સોંપવામાં આવ્યું છે. શ્રેણી 24મી ઑક્ટોબરે શરૂ થશે. 21 વર્ષની વિકેટકીપર રિચા ઘોષ બારમા ધોરણની પરીક્ષા આપવાની હોવાથી આ સિરીઝમાં નહીં રમે. બોલર પૂજા વસ્ત્રાકરને આરામ અપાયો છે અને આશા શોભનાને ઈજાને કારણે ટીમમાં નથી સમાવવામાં આવી.
ભારતની મહિલા ટીમ યુએઇમાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પણ નહોતી પહોંચી શકી.
ન્યૂ ઝીલૅન્ડ સામેની મૅચો અમદાવાદમાં રમાશે અને એ સાથે આવતા વર્ષે ભારતમાં રમાનારા મહિલાઓના વન-ડે વર્લ્ડ કપ માટેની તૈયારી પણ શરૂ કરી દીધી કહેવાશે.
ભારતીય ટીમ: હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), શેફાલી વર્મા, ડી. હેમલતા, દીપ્તિ શર્મા, જેમાઇમા રૉડ્રિગ્સ, યસ્તિકા ભાટિયા (વિકેટકીપર), ઉમા ચેટ્રી (વિકેટકીપર), સાયલી સતગરે, અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, તેજલ હસબનીસ, સાઇમા ઠાકોર, પ્રિયા મિશ્રા, શ્રેયંકા પાટીલ અને રાધા યાદવ.