હરમનપ્રીત કૌર વિશ્વની એવી પહેલી કૅપ્ટન બની ગઈ જે…
ચેન્નઈ: ભારતની મહિલા ટેસ્ટ ટીમે સોમવારે અહીં સાઉથ આફ્રિકાને એકમાત્ર ટેસ્ટમાં છેલ્લા દિવસે 10 વિકેટે હરાવીને ટેસ્ટ-વિજયની હૅટ-ટ્રિક તો નોંધાવી જ છે, કૅપ્ટન હરમનપ્રીત કૌરે લાગલગાટ ત્રણ ટેસ્ટ જીતીને નવો ઇતિહાસ પણ રચ્યો છે.
મહિલા ટેસ્ટ-ક્રિકેટની તે એવી પહેલી ખેલાડી છે જેની કૅપ્ટન્સી હેઠળની પહેલી ત્રણેય ટેસ્ટમાં તેની ટીમનો (ભારતનો) વિજય થયો છે.
હરમનપ્રીત કૌરે એ સાથે ભારતની સૌથી સફળ પ્રારંભિક ટેસ્ટ-કૅપ્ટન્સીની બરાબરી પણ કરી છે. તે સૌથી કૅપ્ટન તરીકે સૌથી વધુ ટેસ્ટ જીતનાર મિતાલી રાજની બરાબરીમાં થઈ ગઈ છે.
ભારતીય મહિલા ટેસ્ટ ટીમની વર્ષોથી એક વર્ષ દરમ્યાન ખૂબ ઓછી ટેસ્ટ રમાતી હોય છે. બૅટિંગ-લેજન્ડ મિતાલી રાજ 19 વર્ષની ટેસ્ટ-કરીઅરમાં માત્ર 12 ટેસ્ટ રમી હતી. બારમાંથી માત્ર આઠ ટેસ્ટમાં તેણે કૅપ્ટન્સી સંભાળી હતી જેમાંથી ત્રણમાં ભારતનો વિજય થયો હતો.
હરમનપ્રીતે કૅપ્ટન તરીકે પહેલી ત્રણેય ટેસ્ટ જીતીને મિતાલીની બરાબરી કરી લીધી છે.
તેના સુકાનમાં ભારતે સોમવારે સાઉથ આફ્રિકા સામે વિના વિકેટે 37 રન બનાવીને એકમાત્ર ટેસ્ટ જીતી લીધી હતી.
સાઉથ આફ્રિકાની ટીમ ટેસ્ટના બન્ને દાવમાં 250 રન બનાવવા છતાં હારી ગઈ હતી. મહિલા ટેસ્ટના ઇતિહાસમાં પહેલી જ વાર આવું બન્યું છે.
આખી ટેસ્ટમાં કુલ 1,279 રન બન્યા જે મહિલા ટેસ્ટના ઇતિહાસની એક મૅચના કુલ રનની રેકૉર્ડ-બુકમાં બીજા ક્રમે છે. ગયા વર્ષે ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટમાં 1,371 રન બન્યા હતા.