હાર્દિક, તિલક, ઈરફાન અને લક્ષ્મણની દેશને આઝાદી દિનની શુભેચ્છા | મુંબઈ સમાચાર

હાર્દિક, તિલક, ઈરફાન અને લક્ષ્મણની દેશને આઝાદી દિનની શુભેચ્છા

નવી દિલ્હી: હાર્દિક પંડ્યા, તિલક વર્મા, ઈરફાન પઠાણ તેમ જ વીવીએસ લક્ષ્મણ સહિત અનેક ક્રિકેટરોએ સોશ્યલ મીડિયા પર 79મા આઝાદી દિન (Independence Day) નિમિત્તે દેશની જનતાને શુભેચ્છા પાઠવી છે. બીસીસીઆઈ (BCCI)એ પણ ‘ એક્સ’ પર પોતાના હેન્ડલ પર રાષ્ટ્રને સ્વાતંત્ર્ય દિનની શુભકામના (Wishes) આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે આઝાદી દિન પ્રસંગે આપેલા પ્રવચનમાં ભારતીય ખેલક્ષેત્રના યોગદાનને અને વિકાસને બિરદાવ્યા હતા. પીએમ મોદીએ વિકસિત ભારતના ઘડતર પર ખાસ ભાર આપ્યો હતો અને એમાં દેશના રમતગમત ક્ષેત્રનો પણ સમાવેશ કર્યો હતો.

વડોદરામાં રહેતા ભારતના ટોચના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ 2024ના ટી-20 વર્લ્ડ કપમાં તેમ જ આ વર્ષની વન-ડે ફોર્મેટની ચેમ્પિયન્સ ટ્રોફીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે એક્સ પર ‘ હેપ્પી ઇન્ડિપેન્ડન્સ ડે, ઇન્ડિયા’ એવો સંદેશ આપ્યો છે. તેણે આ સંદેશ સાથે ભારતીય તિરંગા સાથેનો પોતાનો ફોટો પોસ્ટ કર્યો છે.

ભારત વતી 25 ટી-20 મૅચ અને ચાર વન-ડે રમી ચૂકેલા બૅટ્સમેન તિલક વર્મા (Tilak Varma) એ ચાહકો અને સમગ્ર રાષ્ટ્ર માટેના સંદેશમાં લખ્યું છે કે ‘ ભારત વતી મને રમવા મળ્યું એ મારા માટે સૌથી મોટી પ્રેરણા અને પ્રોત્સાહન છે. હું જાગતિક ફલક પર ભારત વતી રમું છું એ મારા માટે સૌથી મોટું ગૌરવ છે. તમામ દેશવાસીઓને આઝાદી દિનની શુભેચ્છા.’

વડોદરામાં જ રહેતા ભૂતપૂર્વ ઑલરાઉન્ડર અને 2007ના ટી-20 વર્લ્ડ કપ તેમ જ 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીના ખેલાડી ઈરફાન પઠાણે એક્સ પર દેશ માટેના સંદેશમાં લખ્યું છે કે ‘ પ્રત્યેક ભારતીયને આઝાદી દીન નિમિત્તે મારી શુભેચ્છા. આપણને આઝાદી મહામહેનતે મળી હતી અને એને જીવંત રાખવાની આપણા સૌની ફરજ છે. એ ફરજ આપણે સૌએ અરસપરસની ભાવના સાથે અને એકતા જાળવીને અદા કરવાની છે.

વીવીએસ લક્ષ્મણે સ્વાતંત્ર દિનની શુભેચ્છા આપતા લખ્યું છે કે ‘ આપણને અગણિત બલિદાનોથી ભેટ રૂપે આઝાદી મળી હતી. હવે આપણી ફરજ છે કે આપણે ઉજ્જવળ અને મજબૂત દેશ નિર્માણ કરવા માટે પ્રત્યેક દિન મહેનત કરવાની છે કે જેથી આપણી ભવિષ્યની પેઢીની જનતા ગર્વ અનુભવે. જય હિન્દ.’

આપણ વાંચો:  ભારત એશિયા કપમાં પાકિસ્તાનનો બહિષ્કાર કરે એ સંભવ છે? બૉયકૉટ કેમ ન થઈ શકે?

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button