
અમદાવાદ/હૈદરાબાદ: મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)નો સુકાની હાર્દિક પંડ્યા રવિવારે અમદાવાદમાં પોતાની ભૂતપૂર્વ ટીમ ગુજરાત ટાઇટન્સ (જીટી)ના કૅપ્ટન શુભમન ગિલ સામે હારી ગયો અને બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદના પૅટ કમિન્સ સામે હાર સ્વીકારવી પડી. એક રીતે હાર્દિકના જાણે ‘બાવાનાં બેઉ બગડ્યા’. આ તો થઈ મેદાન પર હરીફ કૅપ્ટનો વચ્ચેની વાત. એમઆઇની ટીમમાં અંદરોઅંદર પણ થોડી હરીફાઈ જેવું જોવા મળ્યું છે.
જીટી સામેની મૅચ દરમ્યાનનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં હાર્દિક એમઆઇના પૂર્વ કૅપ્ટન રોહિત શર્મા પર હુકમ ચલાવતો હોય એવી મુદ્રામાં જોવા મળ્યો હતો. હિટ મૅનને હાર્દિકે ફીલ્ડ પ્લેસમેન્ટના ભાગરૂપે બાઉન્ડરી લાઇન પર જઈને ઊભા રહેવા કહ્યું હતું. વાયરલ થયેલા વીડિયોમાં ક્રિકેટપ્રેમીઓ હાર્દિકના વ્યવહારથી ખૂબ હેરાન-પરેશાન હતા. જોકે હૈદરાબાદ સામેની મૅચ ચાલી રહી હતી ત્યારે રોહિતે પોતાની સિનિયોરિટીનો પાવર વાપરીને હાર્દિકને બાઉન્ડરી લાઇન પર ઊભા રહેવા કહ્યું હતું. જોકે રોહિતે તેને એ ખૂબ વિનમ્રતાથી કહ્યું હતું અને હાર્દિક ત્યાં પહોંચ્યો ત્યારે રોહિતે તેને થમ્બની નિશાની બતાવી હતી. એ વીડિયો પણ વાયરલ થયો છે.
બીજી રીતે કહીએ તો હૈદરાબાદના મેદાન પર રોહિત તેના જૂના અંદાઝમાં જોવા મળ્યો હતો અને હાર્દિકને ઘણું સમજાવી રહ્યો પણ દેખાતો હતો.
એમઆઇનો પરાજય થયો ત્યાર પછી રોહિત ટીમના માલિક આકાશ અંબાણી અને હાર્દિક સાથે ઘણી વાર સુધી વાતચીત કરી રહેલો પણ જોવા મળ્યો હતો.
આઇપીએલની આ મૅચ અભૂતપૂર્વ હતી, કારણકે એમાં ટીમ-સ્કોરનો નવો વિક્રમ બન્યો હતો. હૈદરાબાદના બૅટર્સે મુંબઈના બોલર્સની એવી ધુલાઈ કરી કે તેમનો સ્કોર 20મી ઓવરને અંતે 277/3 રહ્યો હતો. તેમણે આરસીબીનો 11 વર્ષ જૂનો 263/5નો પુણે વૉરિયર્સ સામેનો હાઈએસ્ટ ટીમ-સ્કોરનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો. મુંબઈની ટીમ 20 ઓવરમાં 246/5ના સ્કોર સાથે માત્ર 31 રનથી હારી ગઈ હતી. હૈદરાબાદના અભિષેક શર્મા (63 રન, 23 બૉલ, સાત સિક્સર, ત્રણ ફોર)ને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.