ટી-20 વર્લ્ડ ચૅમ્પિયનપદની પહેલી વર્ષગાંઠઃ હાર્દિકે અમૂલ્ય પળો યાદ કરી...
સ્પોર્ટસ

ટી-20 વર્લ્ડ ચૅમ્પિયનપદની પહેલી વર્ષગાંઠઃ હાર્દિકે અમૂલ્ય પળો યાદ કરી…

વડોદરાઃ ભારતીય ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા (HARDIK PANDYA)એ ભારતની ટી-20 વર્લ્ડ કપની જીતની પ્રથમ વર્ષગાંઠ વિશે સોશયલ મીડિયા પર એક ભાવનાત્મક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણે દિલધડક ફાઇનલ (FINAL)માં ભારતે (INDIA) સાઉથ આફ્રિકા (SOUTH AFRICA)ને જે રીતે હરાવ્યું હતું એની બહુમૂલ્ય પળો યાદ કરી છે. ભારતે ત્યારે 11 વર્ષે આઇસીસી ટ્રોફી જીતી લીધી હતી.

અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં આયોજિત એ વિશ્વ કપની બ્રિજટાઉન ખાતેની ફાઇનલમાં હાર્દિકે બૅટિંગમાં બે બૉલમાં અણનમ પાંચ રન કર્યા હતા અને પછી બોલિંગમાં શાનદાર પર્ફોર્મ કરીને ભારતને રોમાંચક વિજય અપાવ્યો હતો. તેણે ત્રણ ઓવરમાં 20 રનના ખર્ચે ત્રણ વિકેટ લીધી હતી. તેણે હિન્રિક ક્લાસેન (બાવન રન, 27 બૉલ, પાંચ સિક્સર, બે ફોર)ની અત્યંત મહત્ત્વની વિકેટ લીધી હતી અને એ સાથે ભારતને વિજયના માર્ગ પર લાવી દીધું હતું. હાર્દિકે પોસ્ટમાં લખ્યું છે, ` મારા માટે તો દેશ વતી રમવું એ જ સૌથી મોટું સપનું હતું, એક આશીર્વાદ હતો.

https://twitter.com/hardikpandya7/status/1939188179074162691

2011માં (વન-ડે વર્લ્ડ કપ વખતે) મેં રસ્તા પર મિત્રો સાથે જીતનો જશન મનાવ્યો હતો. હું હંમેશાં એવી જ પરિસ્થિતિમાં (સકારાત્મક અભિગમમાં) રહેવાનું પસંદ કરું છું અને એટલે જ મારામાંથી સૌથી સારો પર્ફોર્મન્સ બહાર આવે છે. હું વર્લ્ડ કપની ફાઇનલમાં રમી રહ્યો હોઉં અને એનો છેલ્લો બૉલ ફેંકી રહ્યો હોઉં એવી મેં ઘણી વાર કલ્પના કરી હતી અને ખરેખર એવું જ બન્યું.’

2024ની 29મી જૂને બાર્બેડોઝના બ્રિજટાઉનમાં રમાયેલી ફાઇનલમાં અંતિમ ઓવર હાર્દિકે કરી હતી. હાર્દિકે પોસ્ટમાં સાઉથ આફ્રિકા સામેની એ ફાઇનલની વાત કરતા વધુમાં જણાવ્યું છે, ` પાછલા 6-7-8 મહિના ખૂબ મુશ્કેલ હતા, પરંતુ એ દિવસે બધુ મગજ પરથી બધો બોજ અને મુશ્કેલી ઉતરી ગયા હતા અને હું એ જ વિચારી રહ્યો હતો કે આખરે, મેં દેશ માટે કરી દેખાડ્યું.’

ફાઇનલની આખરી ઓવરના પહેલા બૉલમાં ડેવિડ મિલરે લૉન્ગ ઑફની દિશામાં ઊંચો શૉટ માર્યો હતો, પણ બૉલ બાઉન્ડરી લાઇનને પાર નહોતો ગયો. સૂર્યકુમાર યાદવે શાનદાર સંતુલન બતાવીને બાઉન્ડરી લાઇનને આર-પાર જઈને કૅચ ઝીલ્યો હતો. બાઉન્ડરી લાઇનને પોતે અડી જશે એવા ડરથી સૂર્યકુમારે લાઇનની બહાર જતાં પહેલાં બૉલને હવામાં ઉછાળ્યો હતો અને પછી પાછા અંદર આવીને કૅચ પકડી લીધો હતો. આઇસીસી ટૂર્નામેન્ટોના ઇતિહાસમાં આ કૅચને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે.

આપણ વાંચો : જુનિયર ભારતીયોએ સિનિયરોને શરમાવ્યા, ઇંગ્લૅન્ડમાં શાનથી જીત્યા…

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button