T20 World Cupમાંથી Hardik Pandyaની બાદબાકી થશે! ફોર્મ સાબિત કરવા માટે માત્ર આટલી મેચ બચી
ODI વર્લ્ડ કપ 2023ની લીગ મેચ અને સેમીફાઈનલમાં અપરાજિત રહ્યા બાદ ફાઈનલમાં પહોંચેલી ભારતીય ક્રિકેટ ટીમ(Indian Cricket team) ટાઈટલ જીતી શકી ન હતી, હવે ચાહકોને આશા છે કે ભારતીય ટીમ જુન મહિનામાં રમાનારો ICC T20 world cup કપ જીતશે. એવામાં ભારતીય T20 ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા(Hardik Pandya)નું ફોર્મ BCCI સિલેક્ટર્સ માટે માટે ચિંતાનો વિષય બન્યું છે
T20 વર્લ્ડ કપ 2024 જૂન મહિનાની પહેલી તારીખથી શરૂ થશે, જેને આડે દોઢ મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની પસંદગી એપ્રિલના અંતમાં કરવામાં આવશે, જેના માટે ચલુ IPL સીઝનમાં ખેલાડીઓનું પ્રદર્શન મહત્વનું ફેક્ટર રહેશે.
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા IPL 2024ની શરૂઆતથી જ ખરાબ ફોર્મમાં દેખાઈ રહ્યો છે, તે પ્રથમ 6 લીગ મેચોમાં બેટ અને બોલથી સારું પ્રદર્શન કરી શક્યો નથી. CSK સામે મેચમાં એક ઓવરમાં તેણે જે રીતે 26 રન આપ્યા તેનાથી તેની બોલિંગ પર વધુ સવાલો ઉભા થયા.
હાર્દિકે અત્યાર સુધી જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે તે પછી સવાલો ઉઠી રહ્યા છે કે જો તેનું ફોર્મ આમ જ ખરાબ રહેશે તો શું તેને ટી20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમમાં સ્થાન મળશે? BCCI સિલેક્ટર્સ હાર્દિક પંડ્યાના વિકલ્પ તરીકે શિવમ દુબે પર નજર રાખી રહ્યા છે, જેણે આ સિઝનમાં CSK માટે શાનદાર બેટિંગ કરી છે.
IPLની આ સિઝનમાં હાર્દિકે મુંબઈ ઇન્ડિયન્સ(MI) માટે છઠ્ઠા નંબર પર બેટિંગ કરી છે અને તેણે 6 ઇનિંગ્સમાં 131 રન બનાવ્યા છે. તેનો અત્યાર સુધીની સ્ટ્રાઇક રેટ 145.56 રહી છે. જો હાર્દિકની ઇનિંગ્સ પર નજર કરીએ, તેણે અત્યાર સુધી રમાયેલી 6 મેચોમાં ગુજરાત સામે 11 રન, હૈદરાબાદ સામે 24 રન, રાજસ્થાન સામે 34 રન, દિલ્હી સામે 39 રન, RCB સામે 21 રન અને CSK સામે 2 રન બનાવ્યા હતાં.
હાર્દિકના બોલિંગ પ્રદર્શનની વાત કરીએ તો IPLની આ સીઝનમાં અત્યાર સુધી રમાયેલી 6 મેચોમાં હાર્દિક પંડ્યાએ માત્ર હૈદરાબાદ સામે જ 4 ઓવરનો ક્વોટા પૂરો કર્યો હતો. તેણે રાજસ્થાન અને દિલ્હી સામે બોલિંગ જ નહતી કરી. હાર્દિકે છેલ્લી 6 મેચમાં 66 બોલ ફેંક્યા છે જેમાં તેને માત્ર 3 વિકેટ મળી છે અને તેણે 12.00ના રેટથી રન આપ્યા છે.
CSK સામેની મેચમાં ધોનીએ હાર્દિકની ઓવરમાં હેટ્રિક સિક્સર ફટકારી. CSK સામે તેણે 3 ઓવર ફેંકી હતી અને 43 રન આપીને 2 વિકેટ લીધી. આ પહેલા તેણે હૈદરાબાદ સામે 4 ઓવરમાં 46 રન આપીને એક વિકેટ લીધી હતી.
તેમાં કોઈ શંકા નથી કે હાર્દિક પંડ્યા ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી છે અને તેની હાજરી ટીમને મજબુત બનાવે છે, પરંતુ તેનું ખરાબ ફોર્મ ભારત માટે મોટી સમસ્યા છે. ટીમને સંતુલિત કરવા માટે ભારતીય સિલેક્ટર્સે ત્રીજા સીમર તરીકે હાર્દિક પંડ્યા પર આધાર રાખવો પડશે, પરંતુ હાલ તેની બોલિંગ ન કરવી એ મોટી ચિંતાનો વિષય છે.
ઈજાને કારણે મોહમ્મદ શમીનું T20 વર્લ્ડ કપ 2024માંથી બહાર થવું નિશ્ચિત છે, તેથી જસપ્રિત બુમરાહ પછી હાર્દિક ભારતનો બીજો સૌથી અનુભવી ફાસ્ટ બોલર હશે.
જોકે, હાર્દિક પાસે હજુ પોતાને સાબિત કરવાની તક છે, IPL હજુ તેને 8 લીગ મેચ રમવાની છે, આ મેચોમાં જો તે પોતાને સાબિત નહીં કરી શકે તો તેની વર્લ્ડ કપની ટિકિટ કપાઈ શકે છે.