સ્પોર્ટસ

હાર્દિક-પ્રેમી પ્રેક્ષકોનો ધાર્યા કરતાં વધુ ધસારો થતાં મૅચ બીજા મેદાન પર રાખવી પડી!

હૈદરાબાદઃ સામાન્ય રીતે ક્રિકેટ મૅચ વખતે પ્રેક્ષકોનો ધસારો થાય તો એ સંબંધિત સ્ટેડિયમ માટે સારી વાત કહેવાય, કારણકે મોટી સંખ્યામાં લોકો મૅચ જોવા આવવાને લીધે આયોજકોને આવક થાય અને ક્રિકેટોત્સવને લીધે એ વિસ્તાર પણ ધમધમી ઉઠે, પરંતુ ગુરુવારે હૈદરાબાદ (Hyderabad)માં જે કંઈ બન્યું એ અનોખું જ હતું. પ્રેક્ષકોનો ધસારો થતાં બરોડા (Baroda) અને ગુજરાત (Gujarat) વચ્ચેની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT)ની મૅચ બીજા મેદાન પર રાખવી પડી હતી. સૌથી મોટું કારણ એ છે કે આ મૅચમાં બરોડા વતી હાર્દિક પંડ્યા રમવાનો હતો.

આયોજકોએ આ મૅચ માટે ઓછું જાણીતું જિમખાના ગ્રાઉન્ડ નક્કી કર્યું હતું. જોકે આયોજકોએ ધાર્યું હતું એના કરતાં ઘણી મોટી સંખ્યામાં પ્રેક્ષકો હાર્દિકને જોવા આવી ગયા હતા, ટીમની હોટેલની આસપાસ પણ ક્રિકેટપ્રેમીઓ ચક્કર લગાવવા લાગ્યા હતા, પ્રૅક્ટિસ વખતે પણ ઘણા લોકો સ્ટેડિયમમાં આવી પહોંચ્યા હતા અને ટિકિટ કાઉન્ટર્સ પર લાંબી લાઇનો લાગી ગઈ હતી.

આ બધું જોઈને આયોજકોએ બરોડા-ગુજરાત મૅચનું સ્થળ બદલીને ખેલાડીઓ માટે વધુ સલામત રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં આ મૅચ રાખી દીધી હતી.

જોકે આ મૅચમાં પણ બરોડા જીત્યું હતું, પરંતુ હાર્દિક મંગળવાર જેવું પર્ફોર્મ નહોતો કરી શક્યો. મંગળવારે હાર્દિકે પંજાબ સામે એક વિકેટ લીધા બાદ મૅચ-વિનિંગ 77 રન કર્યા હતા. ગુરુવારે હાર્દિક એક જ વિકેટ લઈ શક્યો હતો અને પછીથી 10 રનના પોતાના સ્કોર પર ગુજરાતના સ્પિનર રવિ બિશ્નોઈના બૉલમાં અર્ઝાન નાગવાસવાલાને કૅચ આપી બેઠો હતો અને હાર્દિક પોતાની વિકેટ લેનાર બોલર બિશ્નોઈને ભેટીને પાછો આવ્યો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button