સ્પોર્ટસ

હાર્દિક પંડ્યા અને ઑસ્ટ્રેલિયાના પારસી ક્રિકેટર વચ્ચે શું કનેક્શન છે, જાણો છો?

બ્રિસ્બેનઃ 24 વર્ષના લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન અને લેફ્ટ-આર્મ સ્પિનર જેર્સિસ વાડિયાનું નામ ભારતીય ક્રિકેટમાં અજાણ્યું છે, પણ હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને તેના મોટા ભાઈ કૃણાલ પંડ્યાના પરિવારમાં જાણીતું છે અને એનું કારણ એ છે કે વાડિયા અને પંડ્યા બંધુઓના પરિવાર વચ્ચે વર્ષોથી મૈત્રી છે.

હવે તો જેર્સિસ વાડિયા (Jerssis Wadia) ઑસ્ટ્રેલિયાની બિગ બૅશ લીગ (BBL)માં પણ ફેમસ થઈ ગયો છે. તેણે શનિવારે શાહીન શાહ આફ્રિદી, મૅથ્યૂ કુહનેમન અને મૅથ્યૂ બાર્ટલેટ જેવા જાણીતા બોલર્સની હાજરીમાં ફટકાબાજી કરી હતી. વાડિયાએ બ્રિસ્બેન હીટ સામેની મૅચમાં 16 બૉલમાં ત્રણ સિક્સર અને એક ફોરની મદદથી 34 રન કર્યા હતા.

આપણ વાચો: હાર્દિક પંડ્યા અને માહિકા શર્માએ કન્ફર્મ કરી રિલેશનશિપ? પોસ્ટ કરીને કહ્યું…

પારસી સમુદાયનો જેર્સિસ વાડિયા ઍડિલેઇડ સ્ટ્રાઇકર્સ ટીમમાં છે અને આ તેની બીજી જ મૅચ હતી. તેણે મૅચ પછી કહ્યું, ` મને તો દરેક બૉલ પર છગ્ગો ફટકારવાનું મન થયું હતું.’ તેને આ ફટકાબાજી બદલ હાર્દિક પંડ્યા તેમ જ નિકોલસ પૂરનના મૅસેજ મળ્યા હતા.

ખુદ વાડિયાએ એક મુલાકાતમાં કહ્યું, ` હાર્દિક પંડ્યા એક સમયે મારા મમ્મી પાસેથી ટ્યૂશન લેતો હતો. હાર્દિકની ભારત વતી કરીઅરની શરૂઆત હતી એ અરસામાં એક સમયે તે મુંબઈમાં અમારા વાડિયા પરિવારના ઘરે થોડા દિવસ રહ્યો હતો. હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યા પાસેથી મને ઘણું માર્ગદર્શન મળ્યું હતું.

મેં હાર્દિકને વર્ષો સુધી પ્રૅક્ટિસ કરતો (ક્રિકેટની કરીઅર માટે અવિરતપણે તનતોડ મહેનત કરતો) જોયો હતો. એના પરથી હું પણ વધુ આત્મવિશ્વાસ રાખતો થયો હતો.’

આપણ વાચો: હાર્દિક પંડ્યાના કમબૅકમાં ધમાકા, અભિષેકની હાફ સેન્ચુરીને નિષ્ફળ બનાવી

વાડિયા ભૂતકાળમાં બરોડા વતી અન્ડર-16 અને અન્ડર-19 ક્રિકેટ મૅચો રમ્યો હતો. 2020ના લૉકડાઉનને કારણે તેની કરીઅર ખોરવાઈ ગઈ હતી. 2022માં તે માતા-પિતાની ઇચ્છાની વિરુદ્ધ જઈને (માત્ર ક્રિકેટમાં કારકિર્દી બનાવવાની ઇચ્છાને લક્ષમાં રાખીને) ઑસ્ટ્રેલિયામાં સ્થાયી થયો હતો.

જેર્સિસ વાડિયાના પિતા દિલઝાન વાડિયા બૉલિવૂડ અભિનેતા છે. તેના દાદા નેવિલ 16 વર્ષ પૂર્વે માઇનર ક્રિકેટના ક્ષેત્રે સેન્ચુરી ફટકારનાર સૌથી મોટી ઉંમરના ખેલાડી બન્યા હતા અને તેમનું નામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નોંધાયું હતું.

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ટેસ્ટ કૅપ્ટન ટિમ પેઇન અને રાયન હૅરિસ સહિતના કોચનો જેર્સિસ વાડિયાને બહુ સારો સપોર્ટ મળ્યો છે. વાડિયાની ચોગ્ગા-છગ્ગાની ફટકાબાજી જોઈને પેઇને એક વાર એક કોચને પૂછ્યું, ` આ છોકરો ક્યાંથી આવ્યો છે?’

જેર્સિસ વાડિયા ઇન્ટરવ્યૂમાં કહે છે, ` શરૂઆતમાં ઍડિલેઇડ સ્ટ્રાઇકર્સ ટીમમાં મારો ઉપયોગ સ્પિનર તરીકે થતો હતો, પણ પછીથી મારી બૅટિંગે પણ સૌને પ્રભાવિત કર્યા હતા. હું બે ભાષા (ગુજરાતી અને હિન્દી) સારી રીતે બોલી જાણું છું. હું મુંબઈ ઇન્ડિયન્સને સપોર્ટ આપીને મોટો થયો છું. ઍડિલેઇડ ઓવલ અને વાનખેડેમાં સેન્ચુરી ફટકારવાનું મારું સપનું છે. હું ઑસ્ટ્રેલિયા વતી ત્રણેય ફૉર્મેટમાં રમવા માગું છું.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button