સ્પોર્ટસ

હાર્દિક પંડ્યાના કમબૅકમાં ધમાકા, અભિષેકની હાફ સેન્ચુરીને નિષ્ફળ બનાવી

હૈદરાબાદઃ પેસ બોલિંગ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બે મહિનાના લાંબા બ્રેક બાદ કેટલાક ધમાકાઓ સાથે કમબૅક કર્યું છે જેમાં તેણે બરોડા (Baroda) વતી અણનમ 77 રન કર્યા હતા અને ટી-20ના વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન અભિષેક શર્માની હાફ સેન્ચુરીને ઝાંખી પાડી દીધી હતી. આ મૅચમાં મોટા ભાઈ કૃણાલ પંડ્યા કરતાં હાર્દિક છવાઈ ગયો હતો.

ટી-20 ફૉર્મેટમાં રમાતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમવા આવતાં પહેલાં હાર્દિક (Hardik)ની તેની નવી ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથેની ઘણી સ્ટોરીઓ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ હતી. અનફિટ હોવાને કારણે તે બે મહિના સુધી ભારત વતી નહોતો રમી શક્યો, પણ હવે તે સાઉથ આફ્રિકા સામે મંગળવાર, નવમી ડિસેમ્બરે શરૂ થનારી ત્રણ મૅચની ટી-20 સિરીઝમાં રમવા માટેની તૈયારી તરીકે અસરદાર રમવા લાગ્યો છે.

આપણ વાચો: હાર્દિક પંડ્યા કાર સાફ કરતી વખતે ગર્લફ્રેન્ડ માહિકા સાથે થયો રૉમેન્ટિક

હૈદરાબાદમાં હાર્દિકને પંજાબ (Punjab) સામેની મૅચમાં બરોડાના કૅપ્ટન અને તેના મોટા ભાઈ કૃણાલ પંડ્યાએ કુલ ચાર ઓવર આપી હતી જેમાં તેની બોલિંગની ધુલાઈ થઈ હતી. એમાં સૌથી વધુ બાવન રન બન્યા હતા, પણ હાર્દિકે પંજાબ વતી સૌથી વધુ રન કરનાર અનમોલપ્રીત સિંહ (69 રન, 32 બૉલ, ચાર સિક્સર, સાત ફોર)ની મહત્ત્વની વિકેટ પણ લીધી હતી.

બરોડાના બીજા પેસ બોલર રાજ લિંબાનીએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી જેમાંની એક વિકેટ ટી-20ના વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન અભિષેક શર્મા (50 રન, 19 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર)ની હતી. નમન ધીરે પણ પંજાબના 8/222ના સ્કોરમાં યોગદાન આપ્યું હતું. કૃણાલ પંડ્યાની બે ઓવરમાં બાવીસ રન બનતાં તેણે વધુ બોલિંગ નહોતી કરી.

આપણ વાચો: હાર્દિક પંડ્યાની ‘વાપસી’ અંગે આવી મહત્ત્વની અપડેટ, ટીમ ઈન્ડિયામાં મચાવી શકે છે ધમાલ

બરોડાને 223 રનનો જે લક્ષ્યાંક મળ્યો હતો એ એણે પાંચ બૉલ બાકી રાખીને મેળવી લીધો હતો. બરોડાએ 19.1 ઓવરમાં ત્રણ વિકેટે જે 224 રન કર્યા એમાં હાર્દિક પંડ્યા (અણનમ 77, 42 બૉલ, ચાર સિક્સર, સાત ફોર)નું સૌથી મોટું યોગદાન હતું.

બરોડાના જ ઓપનર વિષ્ણુ સોલંકીએ 43 રન, શિવાલિક શર્માએ રિટાયર આઉટ થતાં પહેલાં 47 રન અને શાશ્વત રાવતે 31 રન કર્યા હતા. પંજાબના છ બોલર બરોડાને વિજયથી રોકી નહોતા શક્યા. હાર્દિકને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button