હાર્દિક ચાર ક્રમની છલાંગ સાથે આટલા નંબર પર આવી ગયો!: સૂર્યાએ સિંહાસન ગુમાવ્યું
ગ્રોઝ આઇલેટ: આઇસીસીએ વેસ્ટ ઇન્ડિઝમાં ચાલી રહેલા પોતાના બૅનર હેઠળના ટી-20 વર્લ્ડ કપ દરમ્યાન નવા રૅન્કિંગ જાહેર કર્યા છે. હાલમાં ટેસ્ટ કે વન-ડે સિરીઝ ન ચાલતી હોવાથી ફક્ત ટી-20 ફૉર્મેટ પર જ ફોકસ રાખવામાં આવ્યું છે અને એના જાહેર થયેલા નવા ક્રમાંકો મુજબ હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ ઑલરાઉન્ડર્સના રૅન્કિંગમાં ચાર ક્રમની જોરદાર છલાંગ લગાવી છે. જોકે ટી-20ના બૅટિંગ-ક્રમમાં સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) સર્વોચ્ચ સ્થાન ગુમાવી દીધું છે.
હાલમાં ટી-20ના ઑલરાઉન્ડર્સમાં શ્રીલંકાનો સ્પિનિંગ-ઑલરાઉન્ડર વનિન્દુ હસરંગા નંબર-વન છે અને સેમિ ફાઇનલમાં પહોંચી ગયેલી અફઘાનિસ્તાન ટીમનો મોહમ્મદ નબી નંબર-ટૂ છે. હાર્દિક પંડ્યા સાતમા નંબર પરથી ત્રીજા સ્થાને આવી ગયો છે. નવાઈની વાત એ છે કે હાર્દિક જરાક માટે નંબર-ટૂ થતા રહી ગયો.
હસરંગા 222 પૉઇન્ટ સાથે મોખરે આવી ગયો છે. ઑસ્ટ્રેલિયાના માર્કસ સ્ટોઇનિસે મોખરાનું સ્થાન ગુમાવ્યું છે. તે ચોથા નંબર પર ધકેલાઈ ગયો છે.
નંબર-ટૂ નબીના નામે 214 પૉઇન્ટ છે. હાર્દિક ફક્ત એક જ પૉઇન્ટ માટે બીજા સ્થાનથી દૂર છે. જો હાર્દિકે વધુ પૉઇન્ટ મેળવ્યા હોત તો તે નબીની આગળ 211 પૉઇન્ટ સાથે બીજા ક્રમાંકે આવી ગયો હોત.
હાર્દિકે ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપની સેમિ ફાઇનલ સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. હાર્દિક વર્લ્ડ કપની તમામ છ મૅચ રમ્યો છે, પણ એમાં ચાર મૅચમાં તેની બૅટિંગ આવી છે. એમાં તેણે કુલ 116 રન બનાવ્યા છે. જોકે તમામ છ મૅચમાં તેણે બોલિંગ કરી છે અને કુલ આઠ વિકેટ લીધી છે.
આ પણ વાંચો : વન-ડે વર્લ્ડ કપ ટ્રોફી પર પગ રાખનાર મિચલ માર્શને પડી લાત: ઓસ્ટ્રેલિયા ટી-20 વર્લ્ડ કપમાંથી નાલેશી સાથે બહાર ફેંકાયું
બંગલાદેશના ઑલરાઉન્ડર શાકિબ અલ હસને વર્લ્ડ કપમાં સાવ સાધારણ પર્ફોર્મ કરવા બદલ ત્રણ સ્થાન નીચે આવવું પડ્યું છે. એક સમયે તે ઘણા સપ્તાહ સુધી નંબર-વન રહ્યા બાદ અત્યારે છઠ્ઠા નંબરે છે.
ટેસ્ટના ઑલરાઉન્ડર્સમાં રવીન્દ્ર જાડેજા અને વન-ડેમાં મોહમ્મદ નબી છે.
ટી-20ના બૅટિંગના ક્રમાંકોમાં ઑસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ નંબર-વન થયો છે અને ઘણા અઠવાડિયા સુધી નંબર-વન પર રહ્યા બાદ સૂર્યકુમાર હવે બીજા નંબરે આવી ગયો છે. જોકે સૂર્યકુમાર અને હેડ વચ્ચે માત્ર બે ક્રમનું અંતર છે.
ટી-20ના બોલિંગ-ક્રમાંકોમાં ઇંગ્લૅન્ડનો આદિલ રાશિદ નંબર-વન છે.