રાજકોટમાં હાર્દિકના નવ છગ્ગા અને બે ચોગ્ગા સાથે 75 રનઃ બધી મહેનત ગઈ પાણીમાં!

રાજકોટઃ હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ જબરદસ્ત ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી ગુરુવારે અહીં વિજય હઝારે ટ્રોફીમાં બરોડા (Baroda)ને ચંડીગઢ સામે વિજય અપાવ્યો હતો, પરંતુ તેની અને સાથી ખેલાડીઓની બધી મહેનત પાણીમાં ગઈ હતી, કારણકે બરોડાની ટીમ નીચા રનરેટને કારણે ટૂર્નામેન્ટની ક્વૉર્ટર ફાઇનલમાં નહોતી પહોંચી શકી. ખરેખર તો બરોડા અને બેન્ગાલને બાજુ પર રાખીને વિદર્ભની ટીમ ક્વૉર્ટરમાં પહોંચી ગઈ હતી.
કૃણાલ પંડ્યાએ ટૉસ જીતીને બૅટિંગ લીધા બાદ તેની ટીમે 391 રન કર્યા હતા જેમાં હાર્દિક પંડ્યા (75 રન, 31 બૉલ, નવ સિક્સર, બે ફોર), પ્રિયાંશુ મોલિયા (113 રન, 106 બૉલ, એક સિક્સર, દસ ફોર), વિકેટકીપર જિતેશ શર્મા (73 રન, 33 બૉલ, ચાર સિક્સર, આઠ ફોર) તેમ જ વિષ્ણુ સોલંકી (54 રન, 49 બૉલ, આઠ ફોર)ના મુખ્ય યોગદાન હતા.

આપણ વાચો: વિજય હઝારે ટ્રોફીમાં વન-ડેના બે બેતાજ બાદશાહ રોહિત-વિરાટની આજે છેલ્લી મૅચ?
મનન વોહરાના સુકાનમાં ચંડીગઢે શિવમ ભાંબરી (100 રન, 95 બૉલ, ચાર સિક્સર, છ ફોર)ની સદી છતાં ફક્ત 242 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં બરોડાનો 149 રનથી વિજય થયો હતો. હાર્દિકે 66 રનમાં ત્રણ અને મહેશ પીઠિયાએ 34 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. બે વિકેટ રસિખ સલામને મળી હતી. જોકે બરોડા જીતવા છતાં ક્વૉર્ટરની રેસની બહાર થઈ ગયું હતું.
જુરેલના 123, ઉત્તર પ્રદેશ ક્વૉર્ટરમાં
રાજકોટમાં બેન્ગાલે 269 રન કર્યા બાદ ઉત્તર પ્રદેશે વિકેટકીપર ધ્રુવ જુરેલ (123 રન, 96 બૉલ, પાંચ સિક્સર, નવ ફોર) તેમ જ આર્યન જુયેલના 56 રન તથા કૅપ્ટન રિન્કુ સિંહ (37 અણનમ, 26 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)ના યોગદાનોની મદદથી પાંચ વિકેટે 272 રન કરીને વિજય મેળવી લીધો હતો અને ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.
આપણ વાચો: વિરાટ 5,783 દિવસે રમ્યો વિજય હઝારે ટ્રોફીમાંઃ 16,000 રનનો સચિનનો વિશ્વવિક્રમ તોડ્યો
ક્વૉર્ટર ફાઇનલમાં કોણ કોની સામે
(1) 12મી જાન્યુઆરીએ બેંગલૂરુમાં મુંબઈ વિરુદ્ધ કર્ણાટક
(2) 12મી જાન્યુઆરીએ બેંગલૂરુમાં સૌરાષ્ટ્ર વિરુદ્ધ ઉત્તર પ્રદેશ
(3) 13મી જાન્યુઆરીએ બેંગલૂરુમાં પંજાબ વિરુદ્ધ મધ્ય પ્રદેશ
(4) 13મી જાન્યુઆરીએ બેંગલૂરુમાં વિદર્ભ વિરુદ્ધ દિલ્હી.



