‘પંડ્યા બંધુઓએ ત્રણ વર્ષ માત્ર મૅગી અને નૂડલ્સથી ચલાવી લીધું હતું’…નીતા અંબાણીએ કેમ આવું કહ્યું?

મુંબઈ: આઈપીએલના પાંચ ટાઈટલ જીતનાર મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઈ)ની ટીમની 2024ની સીઝન પહેલાંની જવલંત સફળતામાં રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ વગેરે ખેલાડીઓ ઉપરાંત હાર્દિક પંડ્યા તેમ જ તેના મોટા ભાઈ કૃણાલનું પણ મહત્વનું યોગદાન છે અને આ પંડ્યા બ્રધર્સ વિશે ટીમનાં માલિક નીતા અંબાણીએ એક ઇવેન્ટ દરમ્યાન જૂની રસપ્રદ વાત કરી છે.
હવે હાર્દિક એમમાઈનો કેપ્ટન છે અને અંબાણીએ તેને 16.35 કરોડ રૂપિયામાં રીટેન કર્યો છે, જયારે કૃણાલને બેંગ્લૂરુના ફ્રેન્ચાઈઝીએ 5.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
નીતા અંબાણીએ પંડ્યા બંધુઓ સાથેની પ્રથમ મુલાકાતને યાદ કરતા કહ્યું કે ‘હાર્દિક અને કૃણાલે આઈપીએલમાં કરીઅર શરૂ કરી એ પહેલાં તેમના પરિવારની આર્થિક હાલત સારી નહોતી. અમે (હું અને મારો સ્ટાફ) એક વાર ટેલન્ટેડ ખેલાડીઓ શોધવા રણજી ટ્રોફીની મૅચ જોવા ગયા હતા ત્યારે અમને આ બે ભાઈઓ મળ્યા હતા. અમે તેમની ટેલન્ટ વિશે સાંભળ્યું તો હતું જ, તેમને સારું રમતા પ્રત્યક્ષ જોયા હતા.’

આ પણ વાંચો : હાર્દિક પંડ્યા માટે સંજય માંજરેકરે આપ્યું મહત્ત્વનું નિવેદન, ડોમેસ્ટિક ક્રિકેટ અંગે કરી વાત
નીતા અંબાણીએ એ મુલાકાત વિશે બૉસ્ટનમાં વધુમાં કહ્યું, ‘મેં બન્ને ભાઈઓ સાથે જે વાતચીત કરી ત્યારે એમાં મને એવું જાણવા મળ્યું કે એ અરસામાં તેમણે ત્રણ વર્ષ સુધી માત્ર મૅગી અને નુડલ્સથી ચલાવી લીધું હતું. મને બન્ને ભાઈઓમાં આઈપીએલમાં અને ખાસ કરીને એમઆઈ વતી રમવામાં જબરદસ્ત જોશ અને ઉત્સાહ દેખાયા હતા.’
2015માં એમઆઈએ હાર્દિકને 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.